Rajkot: બંધના એલાન અંતર્ગત NSUIએ કોલેજ કરાવી બંધ, વિરોધ પ્રદર્શન કરતા NSUIના કાર્યકરોની પોલીસે કરી અટકાયત
કોંગ્રેસના (Congress) પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આજે બંધનું એલાન આપેલું છે. બપોરે 12 વાગ્યા સુધીના સાંકેતિક બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) નજીક આવતાં જ હવે કોંગ્રેસ આક્રમક બની છે. કોંગ્રેસના (Congress) પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આજે બંધનું એલાન આપેલું છે. બપોરે 12 વાગ્યા સુધીના સાંકેતિક બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. રેલી યોજીને વેપારીઓને સમજાવાઈ રહ્યા છે કે તેઓ બપોરે 12 વાગ્યા સુધી દુકાનો બંધ રાખીને કોંગ્રેસને સમર્થન આપે. કૉંગ્રેસે મોંઘવારી(inflation), બેરોજગારી અને ડ્રગ્સ મુદ્દે સવારે 8થી 12 વાગ્યા સુધીનું સાંકેતિક બંધનું એલાન આપેલું છે.
NSUIના કાર્યકર્તાઓએ કોલેજ બંધ કરાવી
મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દે કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન આપ્યુ છે, ત્યારે રાજકોટમાં NSUIના કાર્યકર્તાઓએ જસાણી કોલેજ બંધ કરાવતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો. વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. શહેરમાં 70 ટકા શાળા કોલેજ બંધ રહી હોવાનો NSUIએ દાવો કર્યો છે. જો કે જે શાળા-કોલેજમાં પરીક્ષા ચાલુ છે તેને NSUIએ બાકાત રાખી હતી.
બંધને મિશ્ર પ્રતિસાદ
આ બંધને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે. વડોદરામાં કોંગ્રેસના નેતાઓએ વેપારીઓને દુકાનો બંધ કરવા માટે વિનંતી કરી હતી. કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવત vmcમાં વિપક્ષના નેતા અમી રાવત સહિત સ્થાનિક કાર્યકરો નિઝામપુરા વિસ્તારમાં દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. અમદાવાદમાં ગુજરાત બંધને સફળ બનાવવા NSUIના કાર્યકરોએ કોલેજો બંધ કરાવી હતી. કાર્યકરો દ્વારા શહેરની GLS તેમજ સેન્ટ ઝેવિયર્સ કોલેજ બંધ કરાવવામાં આવી હતી. કોંગ્રેસે તમામ વેપારીઓને સ્વૈચ્છિક બંધમાં જોડાવા અપીલ કરી છે.