Rajkot: ઘેલા સોમનાથ મંદિરમાં ટ્રસ્ટી મંડળની નિમણુક અંગે કોળી સમાજના આગેવાનોએ દર્શાવી નારાજગી
Rajkot: જસદણમાં ઘેલા સોમનાથ મંદિરના ટ્રસ્ટી મંડળમાં ટ્રસ્ટીઓની નિમણુક મુદ્દે કોળી સમાજના આગેવાનોએ નારાજગી દર્શાવી છે અને કોળી સમાજના આગેવાનોનો ટ્રસ્ટી મંડળમાં સમાવેશ કરવા મુદ્દે 400-500 લોકોએ પ્રતિક ધરણાનો કાર્યક્રમ આપ્યો છે.
વિધાનસભાની ચૂંટણી (Assembly Election) પહેલા ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. રાજકોટ જિલ્લાના જસદણ (Jasdan)માં આવેલા ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં કોળી સમાજ (Koli Community)ના એકપણ અગ્રણીને સ્થાન ન આપાતા નારાજગી જોવા મળી છે. પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગગોહબિત સહિત જુદા-જુદા સમાજના આગેવાનોએ ઘેલા સોમનાથ મંદિર પરિસરમાં પ્રતીક ધરણા કર્યા છે. જેમાં સાધુ, ક્ષત્રિય, માલધારી અને કોળી સમાજના આગેવાનો જોડાયા છે. સાથે જ વીંછીયાના જુદા-જુદા ગામના સરપંચો પણ જોડાયા છે.
ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં એકપણ કોળી સમાજના આગેવાનને સ્થાન નહીં
જસદણના પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજના અગ્રણી ભોળાભાઈ ગોહિલે જણાવ્યુ કે ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓની નિમણુક મુદ્દે દરેક સમાજને ન્યાય મળે, પ્રતિનિધિત્વ મળે એ માટે માગ કરી હતી. આ માગણીના અનુસંધાને આ વિસ્તારના આગેવાનોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. જો કે આ રજૂઆત પ્રત્યે રાજ્ય સરકારમાંથી કોઈ ફેરફાર કે આ વિસ્તારના તમામ સમાજને પ્રતિનિધિત્વ મળે એના માટેના કોઈ સંકેત દેખાતા નથી.
આ તરફ રણજીતસિંહ ગોહિલે જણાવ્યુ કે ઘેલા સોમનાથ દાદાના આસ્થાના પ્રતિક એવા ઘેલા સોમનાથ મંદિરમાં સરકાર દ્વારા જે ટ્રસ્ટીઓની નિમણુક કરવામાં આવી છે, તેમાં તમામ સમાજના લોકોનો સમાવેશ કરે તેવી તેમની માગણી છે અને આ માગ સાથે 400થી 500 લોકો પ્રતિક ધરણા પર બેઠા છે. જસદણમાં આવેલા ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળમાં કોળી સમાજના એક પણ વ્યક્તિને પ્રતિનિધિત્વ ન મળતા અને ટ્રસ્ટીમંડળમાં સ્થાન ન મળતા કોળી સમાજમાં નારાજગી ફેલાઈ છે. આ મુદ્દે તેમણે પ્રતિક ધરણા કરી વિરોધ વ્યક્ત કર્યો છે.