Video : ગુજરાતની ગરિમા લજવાઈ, ઓનલાઇન વહેંચાઈ દીકરીઓની લાજ ! રાજકોટ હોસ્પિટલના વાયરલ વીડિયોની ઘટનામાં કોણ ગુનેગાર ?

રાજકોટની પાયલ મેટરનિટી હોમમાં મહિલાઓના ચેકઅપના વીડિયો યુટ્યુબ અને ટેલિગ્રામ પર વાયરલ થયા છે. હોસ્પિટલનું CCTV સિસ્ટમ હેક થયું હોવાની શંકા છે. ગુજરાત સાયબર ક્રાઇમ વિભાગ તપાસ કરી રહ્યું છે.

| Edited By: | Updated on: Feb 17, 2025 | 8:05 PM

રાજકોટની એક હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના વીડિયો ઓનલાઈન વાઈરલ થતા ખળભળાટ મચી ગયો છે. યૂટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ પર આ વીડિયો અપલોડ થયા બાદ સાયબર ક્રાઈમ વિભાગે તપાસ શરૂ કરી છે.

આ ઘટના પાયલ મેટરનિટી હોમની હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલના ડાયરેક્ટર ડો. સંજય દેસાઈએ જણાવ્યું કે હોસ્પિટલના CCTV સિસ્ટમ હેક થઈ ગઈ હોવાનું લાગ્યું છે. આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવશે.

ગુજરાત સાઈબર ક્રાઈમ વિભાગના એસીપી હાર્દિક માંકડિયાએ જણાવ્યું કે આ વીડિયો કઈ રીતે અને કોના દ્વારા વાયરલ કરાયા તે અંગે તપાસ ચાલી રહી છે. IT એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

રાજકારણના ક્ષેત્રમાં પણ આ ઘટનાને લઈને પ્રતિક્રિયાઓ આવી રહી છે. રાજકોટની મહિલા ધારાસભ્ય દર્શિતા શાહે જણાવ્યું કે દર્દીઓની ખાનગી માહિતી સુરક્ષિત રહે તે માટે તમામ જરૂરી પગલાં ભરવામાં આવશે અને દોષિતોને કાયદેસર સજા થશે.

આ ઘટનાએ આરોગ્ય સેવાનો સુરક્ષા મુદ્દો ફરી ચર્ચામાં લાવ્યો છે. હોસ્પિટલ સંચાલકો માટે દર્દીઓની પ્રાઈવસી જાળવવી અત્યંત મહત્વની છે, અને આવાં કિસ્સાઓની પુનરાવૃત્તિ અટકાવવા માટે કડક સાયબર સુરક્ષા અપનાવવી જરૂરી છે.