રાજકોટમાં વર્ષ 2013માં તબીબની બેદરકારીથી બે જોડિયા બાળકોએ દ્રષ્ટિ ગુમાવવાના કેસમાં ગ્રાહક તકરાર નિવારણ કમિશને ડૉક્ટરને 24 લાખ રૂપિયા 10 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે. જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ લગ્નના 17 વર્ષે બાળકો જન્મે, તેની ખુશી વ્યક્ત કરવા શબ્દો ઓછા પડે.. પરંતુ રાજકોટમાં આવા માતા-પિતા પર તબીબની બેદરકારીથી પીડાનો પહાર તુટી પડ્યો હતો. જ્યારે રાજ્યના ગ્રાહક તકરાર નિવારણ કમિશને રાજકોટના ડૉ. પ્રિતેશ પંડ્યાને 24 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજ સાથે ચુકવવા આદેશ કર્યો છે.
આ વળતરમાંથી બંને બાળકોના નામે 7.50 લાખ રૂપિયા બાળકોના ભવિષ્ય માટે લોંગ ટર્મ પ્લાનમાં મુકવાના રહેશે.જો 60 દિવસમાં આ વળતર નહીં અપાય તો ત્યારબાદ 12 ટકા વ્યાજ ચડશે. ફરિયાદી યોગેશ કોટકના બે સંતાનોને ડૉક્ટર પ્રિતેશ પંડ્યાની બેદરકારીને કારણે આંખો ગુમાવવી પડી છે.
ઘટનાની વાત કરીએ તો, 2013માં જોડિયા બાળકોના જન્મ થયા હતા, પણ અધૂરા મહિને જન્મ હોવાથી કાચની પેટીમાં મુકવાની જરૂર પડી હતી. બાળકોને ડૉ. પ્રિતેશ પંડ્યાની કલરવ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમને રજા આપ્યા બાદ બાળકોની આંખમાં ખામી જણાતા આંખના ડૉક્ટર પાસે લઈ જવાયા.જ્યાં નિદાન કરાયું કે બંને બાળકોની એક એક આંખની રોશની ગઈ છે અને બીજી આંખમાં ફક્ત 30 ટકા જ વિઝન છે.
આ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બાળકોને કાચની પેટીમાં રાખે એટલે તેમની આંખોમાં અલ્ટ્રા વાયોલેટ લાઈટ ન જાય તે માટે આંખ પર પ્રોટેક્શન રાખવાનું હોય છે તેમજ ઓક્સિજન પણ વધવું ન જોઈએ. ડૉ. પંડ્યાએ આંખ પર કશું ઢાંક્યું ન હતું તેમજ ઓક્સિજનનું પ્રમાણ વધી જતા નસો ફુલાઈ હતી અને તેથી આંખની કિકી ફાટી ગઈ હતી. વળતરનો તો આદેશ થયો, પરંતુ બાળકોની દ્રષ્ટીને લઈને વસવસો આજીવન માતા-પિતાને રહેશે.
આ પણ વાંચો : Gujarati Video : પંચમહાલના શહેરામાં MGVCLએ 22 લાખથી વધુની વીજચોરી ઝડપી પાડી