રાજકોટમાં ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળાએ માઝા મૂકી છે. ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. પાણીજન્ય રોગચાળો વકરતાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ધસારો જોવા મળી રહ્યો છે. શહેરમાં શરદીના 703, સામાન્ય તાવના 916, ઝાડા-ઉલટીના 342 અને કમળાના ત્રણ કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુ, મેલેરિયા અને ટાઈફોડનો એક કેસ નોંધાયો. આરોગ્ય વિભાગે રોગચાળો અટકાવવા જરૂરી કાર્યવાહી કરી હોવાનો દાવો કર્યો છે. પરંતુ, વધતા જતા કેસો ચિંતાનો વિષય બની રહ્યા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની કતારો લાગી રહી છે.
આરોગ્ય અધિકારી ડૉ જયેશ વાંકાણીના જણાવ્યા પ્રમાણે હાલ ચોમાસાની ઋતુ પહેલા મેલેરિયા શાખા દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી સઘન કરવામાં આવી છે. તેમા આશા બહેનો, MPSW ફિમેલ હેલ્થ વર્કર અને ફિલ્ડ સુપરવાઈઝર દ્વારા ઘરે ઘરે જઈને એન્ટી લાર્વાની કામગીરી કરવામાં આવે છે. જેમા એબેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત, મેલેરિયાની શાખા દ્વારા ખાસ કરીને શાળા-કોલેજ કોમર્શિયલ બિલ્ડિંગ સહિતની જગ્યાઓએ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યા વરસાદી પાણી ભરાતા હોય તેવા શેલરનો સર્વે કરવામાં આવ્યો છે.