રાજકોટમાં માત્ર 2 વર્ષ પહેલા બનેલા ગોંડલ ચોકડી પરના ઓવરબ્રિજમાં પડી મસમોટી ભ્રષ્ટાચારની તિરાડ – Video

રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે બે વર્ષ પહેલા બનેલો બ્રિજ ફરી વિવાદમાં આવ્યો છે. નબળી કામગીરીને લઈને બ્રિજની ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે. હાલ બ્રિજને સાંધાના ભાગમાં તિરાડ પડી છે અને હવે આ તિરાડને બ્રેકરથી તોડી સાંધવાની કામગીરી હાથ ધરાઈ છે.

| Edited By: | Updated on: Nov 13, 2026 | 8:12 PM

રાજકોટમાં કરોડોના ખર્ચે અને અનેક વર્ષોની રાહ જોયા બાદ તૈયાર થયેલો ગોંડલ ચોકડીનો ઓવરબ્રિજ માત્ર 2 જ વર્ષમાં નબળો પડ્યો છે. માત્ર બે જ વર્ષના ગાળામાં બ્રિજના સાંધામાં તિરાડ પડતા બ્રિજની કામગીરીમાં નર્યો ભ્રષ્ટાચાર કરાયો હોવાના આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે. માત્ર બે વર્ષ પહેલા બનેલો બ્રિજની હાલત જર્જરીત થઈ છે. હવે સાંધામાં તિરાડ પડતા બ્રેકરથી તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પૂલના નિર્માણમાં નબળી ગુણવત્તાનું મટિરિયલ વપરાયુ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

માત્ર બે જ વર્ષમાં બ્રિજની એક સાઈડનો આખેઆખો પારો તૂટી ગયો હોવાનું સામે આવ્યુ છે. અહીંથી રોજના હજારો વાહનચાલકો પસાર થાય છે. રાજકોટથી જુનાગઢ અને સોમનાથ જવા માટેનો આ મુખ્ય માર્ગ છે. અમદાવાદ તરફથી આવતા વાહનો પણ આ ઓવરબ્રિજ પરથી પસાર થાય છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે નબળા બાંધકામ અંગે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી,બ્રિજના નિર્માણ સમયે પણ તેની ફિટનેસને લઈને સવાલો ઉઠ્યા હતા. પરંતુ તંત્ર દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો અને બ્રિજનું ફિટનેસ સર્ટિફિકેટ જાહેર કરી દેવાયુ હતુ. હવે સવાલ ઉઠી રહ્યા છે કે જો બ્રિજનો તૂટેલો ભાગ નીચે પડ્યો હોત અને નીચેથી પસાર થતા કોઈને ઈજા પહોંચી હોત તો કોણ જવાબદાર હોત?

હવે બે જ વર્ષની અંદર બ્રિજમાં તિરાડ પડતા જવાબદાર NHA ના ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. હાલ બ્રિજના સાંધાની તિરાડ પૂરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ રોષે ભરાયેલા સ્થાનિકો ભ્રષ્ટ જવાબદારો સામે કડક પગલાંની માગ કરી રહ્યા છે. જ્યારે કરોડોના ખર્ચે બ્રિજ તૈયાર થતા હોય ત્યારે એવી ચોક્કસથી અપેક્ષા રહે કે આ બ્રિજમાંથી એક કાંકરી પણ ખરવી ન જોઈએ.જે રસ્તાઓ દાયકાઓ સુધી ટકવા જોઈએ, તે બે વર્ષ પણ નથી ટકી રહ્યા ? વિકાસના નામ પર પ્રજાના ટેક્સના રૂપિયાનું આંધણ થાય છે.પરંતુ, ટકાઉ વિકાસ કેમ નથી મળતો તે મોટો સવાલ છે.

Input Credit- Mohit Bhatt- Rajkot

“કુંવરજી બાવળિયાએ હવે નિવૃતિ લઈ લેવી જોઈએ”- પ્રવિણ કોળીના નિવેદનથી કોળી સમાજમાં બે ફાંટા પડ્યા હોવાની રાજકીય ચર્ચાઓ તેજ- Video

Published On - 8:06 pm, Fri, 13 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.