દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, સાપુતારામાં વિઝિબ્લિટીમાં ઘટાડો થયો, નવસારીમાં નીચાણવાળા વિસ્તારીમાં પાણી ભરાયા

|

Jul 02, 2022 | 9:49 AM

નવસારી શહેર અને જિલ્લામાં વરસાદને પગલે વરસાદી માહોલ છવાયો છે ત્યારે નવસારી જિલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું છે નવસારી શહેરમાં વરસી રહેલા વરસાદને પગલે કોઈ પાણી ભરાવાની ઘટનાઓ ન બને તે માટે નવસારી શહેરનું તંત્ર એલર્ટ થઈ ગયું છે

દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ(Monsoon) બેસી ગયું છે. દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં મેઘરાજા હાજરી પુરાવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ક્યાંક છુટોછવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ડાંગ જિલ્લામાં સૌથી વધુ વઘઈમાં પોર્ન બે ઇંચ જયારે નવસારીમાં સાવ બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. ખેડૂતો માટે આ વરસાદ રાહતનો વરસાદ બનીને આવ્યો છે. ભરૂચમાં મેઘરાજાએ માત્ર હાજરી નોંધાવી છે. સૌથી વધુ હાંસોટમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. ચોમાસા દરમ્યાન ડાંગની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે. ઝરમર વરસતા વરસાદ વચ્ચે નીખરેલા કુદરતી સૌંદર્યના દર્શન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.

આજે શનિવાર સવારે છ વાગ્યે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન ડાંગ જિલ્લામા સરેરાશ ૩૩.૨૫ મી.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લા ફ્લડ કંટ્રોલ કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આહવા તાલુકામા ચોવીસ કલાક દરમિયાન 38 મી.મી. (મોસમનો કુલ વરસાદ 220 મી.મી.), વઘઇમાં 42 મી.મી. (કુલ 181 મી.મી.), સુબિર તાલુકામાં 40 મી.મી. (કુલ 250 મી.મી.) અને સાપુતારા પંથકનો છેલ્લા ચોવીસ કલાકનો 20 મી.મી. (મોસમનો કુલ 165 મી.મી.) વરસાદ નોંધાયો છે. આ સાથે ડાંગ જિલ્લાનો ચાલુ વર્ષનો કુલ વરસાદ 816 મી.મી. નોંધાઇ ચુક્યો છે. જિલ્લામા સાર્વત્રિક વરસાદને પગલે અહીંના ખેડૂતો તેમના ખેતી કામમા જોતરાઈ ગયા છે. તો અહીંના નદી, નાળા, કોતરો, અને ઝરણાઓમા પણ નવા નીર જોવા મળી રહ્યા છે.

ડાંગ છેલ્લા ચોવીસ કલાકમા નોંધાયેલો વરસાદ

  • આહવા :38 મી.મી.
  • વઘઇ : 42 મી.મી.
  • સુબિર :40 મી.મી.
  • સાપુતારા : 20 મી.મી.

વરસાદને પગલે ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. વઘઇ સાપુતારા માર્ગ ઉપર વૃક્ષોમાં નવી કૂંપણો ફૂટતા ચારે તરફ હરિયાળી નજરે પડી રહી છે. ઝરમર વરસાદને કારણે સમગ્ર ડાંગ જિલ્લામાં આહલાદક દરહસ્યો જોવા મળી રહ્યા છે. ગિરિમથક ખાતે સાંજના સમયે ધૂમમ્સ છવાઈ જતા વિઝીબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો.

નવસારી શહેર અને જિલ્લામાં સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેને લઈને નવસારી શહેરનું જનજીવન થોડા સમય માટે વ્યથિત થયું છે. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદની પગલે ખેડૂતોમાં ખુશીનું માહોલ છે જ્યારે નવસારી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા રેલવે સ્ટેશનના ગરનાળામાં પાણી ભરાતા લોકોએ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સવારથી જ લોકો રેલવે ક્રોસિંગ પર લાઈનમાં ઊભા રહીને ટ્રાફિકમાં હેરાન પરેશાન થવા મજબૂર બન્યા છે.

નવસારી જિલ્લામાં રાત્રે 10 થી સવારે 6 સુધી ના આંકડા

  • નવસારી     : 2.24 ઇંચ
  • જલાલપોર : 2.12 ઇંચ
  • ગણદેવી    : 2.32 ઇંચ
  • ચીખલી    : 2mm
  • ખેરગામ   : 08 mm

નવસારી જિલ્લામાં આવેલી નદીઓની સપાટી

  • પૂર્ણા : 10 ફૂટ (ભયજનક 23 ફૂટ )
  • અંબિકા : 20 ફૂટ (ભયજનક 26 ફૂટ )
  • કાવેરી  : 7.00 ફૂટ (ભયજનક 19 ફૂટ )

નવસારી જિલ્લા આવેલા ડેમો ની સપાટી

  • જૂજ ડેમ  :151.80 – ઓવરફલૉ લેવલ : 167.50
  • કેલિયા ડેમો :99.60 ઓવરફ્લો લેવલ 113.40

નવસારી શહેર અને જિલ્લામાં વરસાદને પગલે વરસાદી માહોલ છવાયો છે ત્યારે નવસારી જિલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું છે નવસારી શહેરમાં વરસી રહેલા વરસાદને પગલે કોઈ પાણી ભરાવાની ઘટનાઓ ન બને તે માટે નવસારી શહેરનું તંત્ર એલર્ટ થઈ ગયું છે શહેરના વિવિધ વિસ્તારોમાં મામલતદાર અને તેની ટીમો સર્વે કરી રહી છે અને સ્થિતિરનો તાગ મેળવવા માટે તંત્ર સવારથી જ કામે લાગ્યું છે

ભરૂચ જિલ્લામાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. છેલ્લા 24 કલાકમાં માત્ર  ઝરમર વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગુરુવારે રાતે ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદે પાલિકા તંત્રને દોડતું કર્યું હતું. ઘણા વિસ્તારોમાં પાણીના ભરાવાની સમસ્યાઓ સામે આવી હતી.

ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલ વરસાદના આંકડા

  • અંકલેશ્વર :3 મી.મી.
  • આમોદ : 3 મી.મી.
  • જંબુસર :5 મી.મી.
  • ઝઘડીયા :3 મી.મી.
  • નેત્રંગ :1 મી.મી.
  • ભરૂચ :2 મી.મી.
  • વાગરા :4 મી.મી.
  • વાલિયા : 8 મી.મી.
  • હાંસોટ : 12 મી.મી.

Published On - 9:48 am, Sat, 2 July 22

Next Video