Monsoon 2022 : રાજ્યમાં 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ, વલસાડના કપરાડામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ
ગુજરાતમાં (Gujarat) મેઘરાજાએ ચોમાસાની (Rain) શરુઆતમાં જ ધુંઆધાર બેટિંગ કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, કચ્છ સહિતના વિસ્તારોને મેઘરાજાએ ધમરોળી દીધુ છે.
ગુજરાતમાં (Gujarat) ચોમાસાની (Monsoon 2022) શરુઆતમાં જ વરસાદી માહોલ છવાયેલો છે. ગુજરાતમાં મેઘરાજાએ ચોમાસાની શરુઆતમાં જ ધુંઆધાર બેટિંગ કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, કચ્છ સહિતના વિસ્તારોને મેઘરાજાએ ધમરોળી દીધુ છે. રાજ્યમાં 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં 22 તાલુકામાં નોંધપાત્ર વરસાદ (Rain) વરસ્યો છે. 21 તાલુકામાં 4થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.
વલસાડના કપરાડામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધરમપુરમાં સવા 8, વાપીમાં 6 અને પારડીમાં સાડા 6 ઇંચ વરસાદ નોંધાયો છે.
નવસારીના ચીખલી અને ગણદેવીમાં સાડા 9 ઇંચ વરસાદ નોંધાયો છે. જલાલપોર સાડા 7, વાસંદા અને ખેરગામમાં સાડા 6 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં સાડા 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. તાપીના ડોલવણમાં સવા 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ડાંગના વઘઇમાં પણ સવા 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
અનેક વિસ્તાર થયા જળમગ્ન
ગુજરાતમાં આકાશી આફતના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ, ખેતરો અને કેટલાક વિસ્તારમાં તો ઘર પણ જળમગ્ન બન્યા છે. જેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. બીજી તરફ તંત્ર ખડેપગે છે અને રાહત તેમજ બચાવ કામગીરી ચાલુ છે.
વધુ વરસાદની આગાહી
ગુજરાતમાં હજી એક દિવસ ભારે વરસાદનું જોર યથાવત રહેશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, ગીર-સોમનાથ, દેવભૂમિદ્વારકામાં અતિભારે વરસાદ પડશે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. ગુજરાતના દરિયાાકાંઠે આગામી 24 કલાકમાં લો પ્રેશર સિસ્ટમ થશે. જેનાથી આગામી સમયમાં ગુજરાતમાં વધુ વરસાદ આવે તેવી શક્યતા છે. માછીમારો અને બંદરો માટે પણ ચેતવણી આપવામાં આવી છે.