Chhota Udepur: છોટાઉદેપુરમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે ઓરસંગ નદી એવી તો ગાંડીતૂર બની છે કે નદીની ભેખડો ધોવાતા ઓરસંગ કિનારે આવેલું વડનું મોટું વૃક્ષ ધરાશાયી થયું. જબુગામે નદી કિનારે વૃક્ષ પડવાની ઘટના કેમેરામાં કેદ થઈ. ઓરસંગ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યુ છે. દરિયાના મોજાની જેમ નદીમાં ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ અને ઉપરવાસના વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે.
છોટાઉદેપુરના પાવીજેતપુર અને બોડેલીમાં તો મેઘમહેર નહીં પણ મેઘકહેર સાબિત થઈ રહ્યો છે. ભારે અને અવિરત વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ભરાયેલા પાણીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો છે. પાવીજેતપુરમાં 4 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબકી જતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો : Rain Video: સોરઠ પર મેઘરાજા કોપાયમાન, આભ ફાટ્યા જેવી સ્થિતિ, અત્ર, તત્ર, સર્વત્ર પાણી જ પાણી
સૌથી વધુ વરસાદ પાવીજેતપુરમાં વરસ્યો છે. પાવીજેતપુરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. રજાનગર વિસ્તાર જળમગ્ન બન્યો છે અને બેટમાં ફેરવાઈ ચૂક્યું છે. ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને ભારે નુક્સાન પહોંચ્યુ છે. લોકો સ્થાનિકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે.
છોટા ઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો