સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જળાશયોમાં પાણીની ભારે આવક થતા ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા દૂર થશે. જામનગરના કાલાવડમાં વોડીસાંગ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ બાદ ભાદર-2 ડેમ સતત ત્રીજી વખત ઓવરફ્લો થયો.
ડેમનું પાણી ભાદર નદીમાં છોડવામાં આવતા ધોરાજીથી પોરબંદર સુધીના ગામોને સતર્ક કરાયા હતા. બોટાદના ગઢડામાં માલપરા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. રાજકોટના ધોરાજીમાં ફોફળ ડેમ સતત બીજા દિવસે ઓવરફ્લો થયો. 10 ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો હતો. કચ્છના નખત્રાણામાં કડિયા ધ્રો સોળે કળાએ ખીલી ઉઠ્યો.કડિયા ધ્રોમાં ઝરણાં વહેતા થતા પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : Jamnagar Rain Video : જામનગરમાં વહેલી સવારથી વરસાદની તોફાની બેટિંગ, NDRF અને SDRFની ટીમ ખડેપગે
સૌરાષ્ટ્રમાં મેઘમહેરથી નદીઓ ગાંડીતૂર બનતા કાંઠાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. રાજકોટના જામકંડોરણામાં ઉતાવળી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. રાયડીથી ખજુડા, રોઘલ જવા માટેનો કોઝવે ડૂબતા લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી હતી.અમરેલીના લાઠીમાં ભારે વરસાદથીગાગડિયા નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. રાજકોટમાં ગઢાળા ગામમાં ભારે વરસાદથી મોજ નદી પરનો કોઝવે ધોવાયો. વિદ્યાર્થીઓ શાળાએ જવા જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર થયા હતા. કચ્છના લખપતમાં કાળી નદી બે કાંઠે વહેતી થઈ. નદીના પાણીના કોઝ વે પર ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.