દક્ષિણ ગુજરાતમાં વરસાદનો વિરામ : હજુ નવસારી અને બારડોલીમાં પૂરની પરિસ્થિતિ યથાવત, વાગરામાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો

|

Jul 13, 2022 | 10:09 AM

સુરત જિલ્લાની વાત કરીએતો બારડોલી માંથી પસાર થતી મીંઢોળા નદીમાં પુરની સ્થિતિ યથાવત છે. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદ ને પગલે તાપી જિલ્લાનો દોસવાડા ડેમ ઓવરફ્લો થતાં મીંઢોળા નદી માં જળસ્તર વધ્યું છે.

આખરે દક્ષિણ ગુજરાતમાં આકાશી આફ્તે વિરામ લીધો છે. ત્રણ દિવસ સુધી સાંબેલાધાર વરસેલા વરસાદે(Heavy Rain) જનજીવન પ્રભાવિત કરી નાખ્યું હતું. દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર અટક્યું છે અથવા ધીમું થયું છે. વિરામ સાથે પાણી ઓસરવાની પણ શરૂઆત થઇ છે. પૂરના પાણી ઓસર્યા બાદજ નુક્સાનીની સ્થિતિનો સાચો અંદાજ પણ મળશે.ભારે વરસાદના કારણે નર્મદા ,નવસારી અને ડાંગમાં સૌથી વધુ નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે. નદીઓમાં પૂરના કારણે નવસારી શહેરનો 30 ટકાથી વધુ હિસ્સો પાણીમાં ગરક્યો હતો. બારડોલી માંથી પસાર થતી મીંઢોળા નદીમાં પુરની સ્થિતિ યથાવત છે.

નવસારીમાં નદીઓ ભયજનક સપાટીની ઉપર વહી રહી છે

આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું છે. ભારે વરસાદ દરમ્યાન નવસારી જિલ્લાની જીવા દોરી સમાન જૂજ અને કેલિયા ડેમ થયા ઓવરફ્લો થયા હતા. આ બે ડેમ 100% ભરાઈ જતા ખેડૂતો માટે રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે. જૂજ ડેમ ઓવરફ્લો થતાં કેચમેન્ટ વિસ્તારમાં આવતા 17 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. બીજી તરફ કેલિયા ડેમ ઓવરફ્લો થતા વાંસદા, ગણદેવી અને ખેરગામ તાલુકાના કુલ 23 ગામોને એલર્ટ કરાયા છે. હાલ જૂજ ડેમ માંથી 84.65 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જયારે કેલિયા ડેમમાંથી 743.00 ક્યુસેક પાણી કાવેરી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.આજે સવારે જૂજ ડેમની સપાટી 167.55 મીટર અને કેલીયા ડેમની સપાટી 113.50 મીટર સુધી નોંધાઈ છે.

નવસારી જિલ્લામાં પૂરની પરિસ્થિતિના કારણે કુલ પાંચ લોકોના મોત નિપજ્યા હતા. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મછાડ ગામે કામ કરતા અને પૂરના પાણીના કારણે તણાયેલા યુવાનો બીજા દિવસે પણ પત્તો મળ્યો નથી. લાપતા યુવાનને શોધવા માટે ટીમો કામે લગાડવામાં આવી છે. ઝિંગા તળાવામાં કામ કરતી વખતે અચાનક પ્રવાહ વધી જતા તે તણાયો હતો.

પૂર્ણા નદી આજે પણ ભયજનક સપાટી ઉપર વહી રહી છે. નદીની ભયજનક સપાટીમાં ૨૩ ફૂટ છે જે હાલ ૨૫ ફૂટના સ્તરે વહી રહી છે. પૂર્ણા નદીની સપાટી વધતા નવસારી શહેર ના ઘણા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. શહેરમાંથી ૨ હજાર લોકોનું સલામત સ્થળે સ્થળાન્તર કરવામાં આવ્યું છે.

ડાંગમાં હજુ સાપુતારા ગુજરાતથી સંપર્ક વિહોણું

ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. સાપુતારાને ગુજરાત સાથે જોડતા માર્ગ ઉપ્પર જમીન ધસી પડવાના કારણે માર્ગ બંધ થયો હતો જે સતત બીજા દિવસે પણ બંધ રહ્યો હતો. ભારે વરસાદના કારણે પડદો ઉપરથી ધસમસતા પાણીના પ્રવાહ ભયાવહ દ્રશ્યોનું નિર્માણ કરી રહ્યા હતા. ઘણા માર્ગો ઉપરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું. આજેવરસાદનું જોર ઓછું થતા હવે પરિસ્થિતિ સામાન્ય બનવા તરફ આગળ વધી રહી છે.

ડાંગ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસેલા વરસાદના આંકડા આ મુજબ છે

  • આહવા 6.5 ઇંચ
  • વઘઇ 7 ઇંચ
  • સુબીર 4.7 ઇંચ
  • સાપુતારા ૪ ઇંચ

સૂરતમાં બારડોલીનો રામજી મંદિર બ્રિજ  બંધ કરાયો

સુરત જિલ્લાની વાત કરીએતો બારડોલી માંથી પસાર થતી મીંઢોળા નદીમાં પુરની સ્થિતિ યથાવત છે. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદ ને પગલે તાપી જિલ્લાનો દોસવાડા ડેમ ઓવરફ્લો થતાં મીંઢોળા નદી માં જળસ્તર વધ્યું છે. બારડોલીનગર નાં તલાવડી, કોર્ટ સામે નીચાણ વાળા વિસ્તાર માં પાણી ભરાયાં છે. રામજી મંદિર બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે.

સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલ વરસાદ

  • બારડોલી : 3.32 ઇંચ
  • ચોર્યાસી : 3 ઇંચ
  • કામરેજ : 2.25 ઇંચ
  • પલસાણા: 3 ઇંચ
  • ઓલપાડ: 1.25 ઇંચ
  • મહુવા : 5 ઇંચ
  • માંડવી : 5.5 ઇંચ
  • માંગરોળ: 2.5 ઇંચ
  • ઉમરપાડા : 4 ઇંચ
  • સુરત : 2 ઇંચ

ભરૂચના વાગરામાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો

ભરૂચ જિલ્લામાં પણ વરસાદે વિરામ લીધો છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વગરમાં સાડા આઠ ઇંચ વરસાદ વરસ્યો હતો. ભરૂચમાં ભારે વરસાદ દરમ્યાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભરૂચના વાગરા ખાતે વસ્તી ખંડાલી નળ ઉપર પાણીમાં કાર તણાઈ હતી. વાગરા પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કારમાં સવાર ૨ બાળકો સહીત ૪ લોકોને બચાવી લીધા હતા. નર્મદા નદીનું જળસ્તર પણ ૨૦ ફુટ સુધી પહોંચ્યા બાદ ફરી ઓસરવા લાગ્યું છે. હાલમાં નર્મદા નદીની જળ સપાટી 15.25 ફૂટ છે. નર્મદાનું ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક વોર્નિંગ લેવલ 22 ફુટ છે.

છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા

  • અંકલેશ્વર 4 ઇંચ
  • આમોદ 1.5 ઇંચ
  • જંબુસર 1.5 ઇંચ
  • ઝઘડિયા 4 ઇંચ
  • નેત્રંગ 2.5 ઇંચ
  • ભરૂચ 5 ઇંચ
  • વાગરા 8.5 ઇંચ
  • વાલિયા 3.5 ઇંચ
  • હાંસોટ 2.5 ઇંચ

Published On - 10:09 am, Wed, 13 July 22

Next Video