Navsari: પૂરના પાણી ઓસરતા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા, સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ
નવસારીમાં (Navsari) પૂર્ણા નદીના પૂરના પાણી ઓસરી રહ્યા છે અને ધીમેધીમે જનજીવન થાળે પડી રહ્યું છે. જોકે જેમજેમ પૂરના પાણી ઓસરી રહ્યા છે તેમ તેમ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે.
ભારે વરસાદે (Rain) સમગ્ર રાજ્યને ધમરોળી દીધુ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે સૌથી વધુ તારાજી સર્જી છે. નવસારીમાં (Navsari) ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. નવસારીમાં વરસાદ ધીમો પડ્યો છે પરંતુ કેટલાક વિસ્તારમાં હજી વરસાદી પાણી ઓસર્યા નથી. છેલ્લા 24 કલાકથી કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. શહેરના સૌથી વધુ પ્રભાવિત શાંતાદેવી રોડ પર હજી પણ વરસાદી પાણી ભરાયેલા છે. જેને લઇ લોકોને મુશ્કેલી પડી રહી છે. હવામાન વિભાગે (Department of Meteorology) હજુ પણ ભારે વરસાદની આગાહી આપતા લોકો સહિત તંત્ર પણ ચિંતામાં મુકાયુ છે.
પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા
નવસારીમાં પૂર્ણા નદીના પૂરના પાણી ઓસરી રહ્યા છે અને ધીમેધીમે જનજીવન થાળે પડી રહ્યું છે. જોકે જેમજેમ પૂરના પાણી ઓસરી રહ્યા છે તેમ તેમ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ક્યાંક ઘરોમાં, તો ક્યાંક દુકાનોમાં પૂરના પાણીથી પારાવાર નુકસાન સર્જાયું છે. શહેરના શાંતાદેવી વિસ્તારના દુકાનોમાં 4 ફૂટ સુધી પાણી હતા. પાણી ઓસરતા દુકાનદારોએ સફાઇ કામગીરીની શરૂઆત કરી છે. માત્ર દુકાનો જ નહીં, સ્થાનિકોનું માનીએ તો ઘરોમાં પણ 10 ફૂટ પાણી ભરાયા હતા. જેના પગલે મોટાભાગના ઘરોમાં ફર્નિચર સહિત વાહનોને મોટાપાયે નુકસાન સર્જાયું છે. સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે કે તંત્ર પોતાની જવાબદારી ચૂક્યું છે અને શહેરીજનોને હેરાન થવાનો વારો આવ્યો છે.
સ્થાનિકો માટે પાણી અને ફૂડ પેકેટની વ્યવસ્થા
નવસારીનો રિંગ રોડ વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. પૂર્ણા નદીનું પાણી ફરી વળતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સ્થિતિ એટલી વણસી ગઈ છે કે લોકો ફ્લેટમાંથી નીચે પણ ઉતરી નથી શકતા. તેમના માટે પાણી અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.