હવે રાજ્યમાં ચોમાસું દસ્તક આપી રહ્યું છે. ટુંક સમયમાં જ વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે. ચોમાસા પહેલા દરેક મહાનગર પાલિકા પ્રિમોન્સૂન કામગીરી કરતી હોય છે. પરંતુ રાજકોટમાં ઉલટી ગંગા વહી રહી છે. ચોમાસુ નજીક હોવા છતાં રાજકોટમાં પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર રહી છે. કેમ કે હજી પણ શહેરમાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારમાં ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યાં છે.
શહેરમાં સૌથી વધુ જે વિસ્તારમાં પાણી ભરાય છે ત્યાં માધાપર ચોકડી વિસ્તારમાં હજી બ્રિજનું કામ ચાલી રહ્યું છે. બ્રિજનું કામ સમયસર પૂર્ણ ન થતાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં ખાડાને કારણે વ્હોરા સોસાયટી, જી-હિત પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની શક્યતા છે.
આ પણ વાંચો : Rajkot: સરધાર જમીન વિવાદ મામલે સ્વામિનારાયણ મંદિરના 3 સંતો સામે ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ
બીજી તરફ શહેરના ઢેબર રોડ વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ છે. ઢેબર રોડ પર પણ કોર્પોરેશન દ્વારા ગટરનું કામ ચાલુ હોવાથી ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યાં છે. છેલ્લા ત્રણ મહિનાથી ડ્રેનેજનું કામ ચાલતું હોવાથી રસ્તા વચ્ચે મસમોટા ખાડા પડ્યાં છે. RMCની બેદરકારીને કારણે ચોમાસું આવી ગયું પરંતુ હજુ સુધી કામગીરી પૂર્ણ થઇ નથી. જો આ ખાડા ચોમાસા પહેલા પૂરવામાં નહીં આવે તો રાજકોટવાસીઓને ચોક્કસ ભારે હાલાકીનો સામનો કરવો પડશે.
Input Credit- Mohit Bhatt- Rajkot
Published On - 4:39 pm, Sat, 24 June 23