સરકારી તંત્રના અધિકારીઓનો વહિવટ પણ જાણે કે કેટલાક જિલ્લાઓમાં ખાડે ગયો હોય એવી સ્થિતિ છે. પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલા સરકારી આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા દર્દીઓને પણ અગવડતાનો સામનો કરવો પડ્યો છે. આમ તો સરકારી હોસ્પિટલમાં અગવડતાઓનો પાર નથી ત્યાં હાલમાં પાટણના એક સાગમટે 9 જેટલા આરોગ્ય કેન્દ્રના વીજ ક્નેક્શન કપાઈ જવા પામ્યા હતા. જેને લઈ પીએચસીના વીજ ઉપકરણો બંધ થઈ જવા પામ્યા હતા.
હાલમાં આરોગ્યની સેવાઓ માટે ભાગે વીજ ઉપકરણો આધારીત છે. આવા સમયે જ વીજળીનુ જોડાણ કપાઈ જવાને ળઈ સમસ્યા સર્જાઈ ગઈ છે. છેલ્લા ચારેક માસથી વીજળી બિલ બાકી હોવાને લઈ વીજ કંપની દ્વારા વીજ રકમ ભરવા અંગે નોટીસ કરવામાં આવી રહી હતી. પરંતુ બિલની રકમ ભરપાઈ નહીં થતા આખરે યુજીવીસીએલ દ્વારા વીજ ક્નેક્શન જ કાપી નાંખવામાં આવ્યા હતા. વીજ તંત્રની કડકાઈને પગલે સ્થાનિક આરોગ્ય અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. મીડિયા રીપોર્ટ્સ મુજબ તાલુકા કક્ષાના મેડિકલ અધિકારીએ કહ્યુ હતુ, કે ગ્રાન્ટ નહીં મળવાને લઈ બિલ ભરી શકાયુ નહોતુ. જોકે હવે અન્ય હેડની ગ્રાન્ટના વપરાશમાંથી વીજ બિલનો ચેક આપવામાં આવ્યો છે. આમ વીજ પૂરવઠો કેન્દ્રોમાં પૂર્વવત થઈ જશે.
Published On - 10:29 pm, Tue, 5 September 23