પોલીસે ભાજપના ગુંડાઓને મદદ કરી, અમારી ફરિયાદ નહીં લેવાય તો 6 જુલાઈએ કોંગ્રેસ રોડ પર ઉતરશેઃ શક્તિસિંહ

|

Jul 04, 2024 | 3:38 PM

અમે રાહુલ ગાંધીને ગુજરાત પ્રદેશ કાર્યાલય આવવા માટે વિનંતી કરી છે. થોડા દિવસોમાં રાહુલ ગાંધી પ્રદેશ કાર્યાલય કાર્યકરોને મળવા માટે આવશે. પોલીસને વિનંતી કે ભાજપના રવાડે ના ચડે, નહીંતર નિવૃતિ સમયે તકલીફ થઈ શકે છે. 

અમદાવાદના પાલડી ખાતે આવેલ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયે, ભાજપના કાર્યકરોએ આવીને કરેલા પથ્થર મારા અંગે અમદાવાદ પોલીસે કોંગ્રેસની ફરિયાદ હજુ સુધી લીધી નથી તેના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરો આગામી 6 જુલાઈએ રોડ પર ઉતરશે તેમ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે કહ્યું છે. આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શક્તિસિંહે કહ્યું કે, પોલીસે ભાજપના ગુંડાઓને મદદ કરી છે. ભાજપના ગુંડાઓ જ્યારે કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો કરી રહ્યાં હતા ત્યારે પોલીસ બાજુમાં ઊભી હતી. દેશમાં અલમમાં આવેલા નવો કાયદો બહુ સ્પષ્ટ છે કે, ફરિયાદી પોલીસ સ્ટેશને પહોંચે તો તેની ફરિયાદ લેવી જોઈએ, આમ છતા પોલીસે કોંગ્રેસની ફરિયાદ નોંધી નથી.

શક્તિસિંહ ગોહીલે કહ્યું કે, પોલીસ અને ભાજપ આમને નિઃસહાય ના સમજે. અમે રોડ પર ઉતરી ભાજપ અને પોલીસનો સામનો કરીશું. કોંગ્રેસનો કાર્યકર બબ્બર શેર છે, એ ડરપોક નથી. કોઈની પણ પ્રિમાઇસિસમાં વોરન્ટ વગર ઘૂસવાનો પોલીસને અધિકાર નથી. અમે રાહુલ ગાંધીને ગુજરાત પ્રદેશ કાર્યાલય આવવા માટે વિનંતી કરી છે. થોડા દિવસોમાં રાહુલ ગાંધી પ્રદેશ કાર્યાલય કાર્યકરોને મળવા માટે આવશે. પોલીસને વિનંતી કે ભાજપના રવાડે ના ચડે, નહીંતર નિવૃતિ સમયે તકલીફ થઈ શકે છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના ગુંડાઓ સામે પોલીસ કાર્યવાહી નહીં થાય તો 6 જુલાઈએ કોંગ્રેસ રોડ પર ઉતરશે. 6 જુલાઈએ કોગ્રેસનો કાર્યકર પ્રદેશ કાર્યાલયથી રસ્તા પર ઉતરશે. અમે ઇચ્છતા તો રથયાત્રાના દિવસે પણ આ કોલ આપી શકતા હતા. પોલીસ અધિકારીઓ સામે જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. બજરંગ દળના ટોળા આવવા અંગે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, આ લોકોની ગુંડાગીરી હજી પણ અટકતી નથી. અમે પણ ડરપોક નથી, આવો બજરંગદળને કહીએ છીએ કે અમે કાર્યાલય પર જ બેઠા છીએ. આ લોકો જેટલા ઉધામા કરશે એ બાબત રાહુલ ગાંધીના દાવાઓને સાબિત કરશે, શિવભક્ત ગુજરાતીઓ ભાજપને ઓળખી ગયા છે. 2027 માં ગુજરાત ભાજપને જવાબ આપશે.

 

Published On - 3:36 pm, Thu, 4 July 24

Next Video