ગોંડલના રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, જુઓ વીડિયો
પોલીસે આ કેસમાં અકસ્માત સ્થળથી કુવાડવા સુધી કુલ 150 સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. બનાવ બન્યો તે સમયગાળામાં પોલીસ તપાસમાં 12 મોટા વાહનો મળીને કુલ 30 જેટલા વાહનો પસાર છતા જોવા મળ્યા હતા. જો કે એક ડમ્પર ચાલકે પોલીસને મહત્વની લીડ આપી હતી, જેના આધારે પોલીસ અકસ્માત સર્જનાર વાહન સુધી પહોંચી હતી.
રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતા મૂળ રાજસ્થાનના યુવાન રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. રાજકુમારનું મોત અકસ્માતને કારણે જ થયું હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે. આ કેસમાં પોલીસે ખાનગી બસના ડ્રાઇવર રમેશ મેરની ધરપકડ કરી છે. રાજકુમારના મોત બાદ પરિવારજનો આ મોતને શંકાસ્પદ ગણાવતા હતા અને આ કેસમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે આંગળી ચીંધી રહ્યા હતા.
જો કે રાજકુમાર જાટના મોત અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી અને અમદાવાદ હાઇ વે પર જતા વાહનો અંગે તપાસ શરૂ કરી હતી. પોલીસે આ કેસમાં અકસ્માત સ્થળથી કુવાડવા સુધી કુલ 150 સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. બનાવ બન્યો તે સમયગાળામાં પોલીસ તપાસમાં 12 મોટા વાહનો મળીને કુલ 30 જેટલા વાહનો પસાર છતા જોવા મળ્યા હતા. જો કે એક ડમ્પર ચાલકે પોલીસને મહત્વની લીડ આપી હતી, જેના આધારે પોલીસ અકસ્માત સર્જનાર વાહન સુધી પહોંચી હતી.
પોલીસના કહેવા પ્રમાણે અકસ્માત મહાસાગર ટ્રાવેલ્સની જૂનાગઢ અમદાવાદ રૂટની 3131 નંબરની બસે સર્જ્યો હતો.અકસ્માત સર્જ્યા બાદ ડ્રાઇવરે આ વાત છુપાવી હતી અને બે દિવસ બાદ ક્લિનરને કીધું હતું જો કે અંતે પોલીસને માહિતી મળતા પોલીસે જૂનાગઢથી બસચાલકને પકડી પાડ્યો છે.પોલીસે જે બસને કારણે અકસ્માત સર્જાયો હતો તે બસને પણ કબ્જે કરી છે અને એફએસએલની મદદથી પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે.
પોલીસે આ મૃત્યુ અકસ્માતને કારણે જ થયું હોવાનું સ્પષ્ટ કર્યું હતું પરંતુ પરિવારજનો દ્વારા જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે અંગે પોલીસે દાવો કર્યો હતો કે આ માટે અમે વધુ તપાસ આગળ કરીશું. જે 42 ઇજાના નિશાનો મળ્યા છે તેમાં કોઇ શંકાસ્પદ નિશાન હતા કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરાશે અને જરૂર જણાશે તો જે લોકોની આ કેસમાં ભુમિકા સ્પષ્ટ થશે તેની પુછપરછ પણ કરાશે જો કે હજુ સુધી કોઇ શંકાસ્પદ ગતિવિધી જોવા ન મળી હોવાનો પોલીસે દાવો કર્યો હતો.
