પથુભા ગોહિલના મોત કેસમાં ન્યાયની માગ સાથે ઉમરાળામાં ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ, મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની કરી માગ
પથુભા ગોહિલના જેલમાં થયેલા શંકાસ્પદ મોત બાદ ઉમરાળા, ભાવનગરમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે. ન્યાયની માગ સાથે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. સમાજનો આરોપ છે કે પથુભાને ખોટી રીતે ફસાવી, રાજકીય કિન્નાખોરીથી જેલમાં ધકેલવામાં આવ્યા હતા. આ કેસની નિષ્પક્ષ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માગણી થઈ રહી છે.
ભાવનગરના ઉમરાળા ગામે પથુભા ગોહિલના જેલમાં થયેલા મોત બાદ હવે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. પથુભાના મોતના 4 દિવસ બાદ પણ પરિવારે હજુ સુધી મૃતદેહ સ્વીકાર્યો નથી અને ન્યાયની માગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. ક્ષત્રિય સમાજના લોકોએ શનિવારે પૂતળાનું દહન કરીને પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો. પરિવારનું કહેવુ છે કે પથુભાને ખોટી રીતે ફસાવી તેમને જેલમાં પુરવામાં આવ્યા હતા અને તેમનું મોત નિપજ્યુ છે. ક્ષત્રિય સમાજનો આક્ષેપ છે કે મળતિયાએ કાવતરુ રચીને પથુભા ગોહિલ વિરુદ્ધ વરતેજ અને ઘોઘા સહિતના પોલીસ મથકોમાં ખોટી ફરિયાદો નોંધાવી હતી. ગંભીર કલમો ખોટી રીતે ઉમેરી તેમને કાયદાકીય પ્રક્રિયામાં ફસાવવામાં આવ્યા હોવાનો પણ સમાજનો આરોપ છે. વર્ષ 2024માં લેન્ડ ગ્રેબિંગ અને GUJCTOC હેઠળ પથુભા સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારથી પથુભા જેલમાં બંધ હતા.
હવે જેલમાં તેમનું મોત થતા સમગ્ર કેસમાં ન્યાયની માગ ઉગ્ર બની છે. પથુભા ગોહિલના મોત મામલે નિષ્પક્ષ તપાસની સમાજ અને પરિવાર માગ કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજનો આક્ષેપ છે કે પથુભાને રાજકીય કિન્નાખોરી રાખીને ખોટી રીતે ટાર્ગેટ કરાયા છે. વર્ષ 2024માં લેન્ડ ગ્રેબિંગ અને ગુજસીટોક હેઠળ તેમની સહિત છ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારથી પથુભા જેલમાં બંધ હતા. અગાઉ તેમની ધરપકડ થઈ ત્યારે પણ પરિવારજનોએ ખોટી રીતે ફસાવાયા હોવાના આક્ષેપ કર્યા હતા. વધુમાં આ જ કેસના અન્ય આરોપી સત્તુભા સરવૈયાનું પણ જેલમાં મોત થયું હતું. ત્યારે હવે પથુભા ગોહિલનું જેલમાં મોત થતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે.
