Ahmedabad : કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદની સામાન્ય વરસાદે (Rain) જ પોલ ખોલી નાખી છે. વરસાદ બાદ અમદાવાદના રોડ પર નીકળવું એટલે જોખમથી ઓછું નથી. જ્યાં સુધી તમે ઘરની બહાર છો ત્યાં સુધી તમારા જીવ પર ખતરો જ છે. નારોલ વિસ્તારમાં વરસાદ બાદ રસ્તાની એવી હાલત થઇ છે કે તમને ત્યાં ગયા પછી એવો અનુભવ થાય કે આ કોઇ સ્માર્ટ સિટીના નહીં પણ કોઇ ગામડાના રસ્તા હશે. નારોલના હાઇફાઇ વિસ્તારમાં (hifi area) મસમોટા ખાડા પડ્યાં છે. રસ્તા પર ખાડો છે કે ખાડામાં રસ્તો તે કહેવું પણ મુશ્કેલ બન્યું છે.
નારોલના હાઇફાઇ વિસ્તારમાં રસ્તા પર એક બે નહીં પરંતુ 20 ફૂટ પહોંળા અને 10 ફૂટ લાંબા ખાડા પડી ગયા છે. જેને કારણે સ્થાનિકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. સામાન્ય વરસાદમાં જ રસ્તાની ખસ્તા હાલત થતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો અકસ્માતનો પણ ભોગ બની રહ્યાં છે.
તો બીજી તરફ સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખાડાની તકલીફ છે. ભલે વિસ્તારનું નામ હાઇફાઇ હોય પણ સુવિધા તો શૂન્ય જેવી જ મળશે. એટલું જ નહીં રસ્તા વચ્ચે ખાડા પડવા પાછળ સ્થાનિકો કોર્પોરેશનને જવાબદાર ગણાવી રહ્યાં છે અને મોંઘી ગાડીમાં ફરનાર અધિકારીને લોકોની તકલીફ ન દેખાય તેવો પણ આરોપ છે.