Patan: ભાટસરમાં મહિલાઓએ દેશી દારૂના વેપલાનો કર્યો પર્દાફાશ, જનતા રેડ કરી બુટલેગરોને ભગાડ્યા

|

Sep 08, 2022 | 8:29 PM

Patan: ચાણસ્મા તાલુકાના ભાટસર ગામે મહિલાઓએ જનતા રેડ કરી દેશી દારૂના જથ્થાનો નાશ કર્યો છે. ગામની સીમમાં અન્ય ગામના ઈસમો આવી દેશી દારૂનુ વેચાણ કરતા હતા. જેની જાણ સ્થાનિકોને થતા મહિલાઓએ લાકડીઓ લઈને જનતા રેડ કરી હતી અને બુટલેગરોને ભગા઼ડ્યા હતા.

પાટણ (Patan)ના ચાણસ્મા તાલુકાના ભાટસર ગામે દેશી દારૂ (Liquor)નો  વેપલો થતો હોવાની ઘટના સામે આવી છે. ગામની મહિલાઓએ જનતા રેડ (Public Raid)કરી આ વેચાણ અટકાવ્યુ હતુ.  ભાટસરમાં મહિલાઓએ દેશી દારૂના બુટલેગરોને ભગાડ્યા હતા. ગામમાં દેશી દારૂના વેચવા આવતા બુટલેગરને મહિલાઓએ બહારનો રસ્તો બતાવ્યો હતો. મહિલાઓએ હાથમાં લાકડીઓ લઈને બુટલેગર પાછળ દોડી તેમને ભગાડ્યા હતા. ગામલોકોએ દેશી દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂના વેપલા પર સ્થાનિકોએ તવાઈ બોલાવી હતી. ભાટસર ગામમાં ચાલતા દેશી દારૂના વેપલાનો મહિલાઓએ પર્દાફાશ કર્યો અને પોલીસની નિષ્ક્રિયતા પણ ખુલ્લી પડી હતી.

મહિલાઓએ જનતા રેડ કરી દારૂના જથ્થાનો કર્યો નાશ

બોટાદના રોજિદ ગામે ઘટેલી ઝેરી દારૂકાંડની ઘટના બાદ હવે લોકોમાં દેશી દારૂને લઈને જાગૃતિ આવી છે. ગ્રામ્ય સ્તરે પણ લોકો જાગૃત બનવા લાગ્યા છે. જેમાં મહિલાઓ પણ પોતાના પરિવારજનોના જીવ બચાવવા રણચંડી બની હતી. ચાણસ્મા તાલુકાના ભાટસર ગામે મહિલાઓએ જનતા રેડ કરી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગામની સીમમાં દેશી દારૂનું વેચાણ થતુ હતુ. જેમાં કોથળા ભરીને દેશી દારૂની કોથળીઓ જોવા મળી હતી. અન્ય ગામના ઈસમો ભાટસર ગામમાં આવીને દેશી દારૂનું વેચાણ કરતા હતા. જો કે ચોંકાવનારી બાબત એ છે કે આ ઘટનાની જાણ પોલીસ ન થતા સ્થાનિક લોકોને થઈ હતી. આ સમગ્ર મામલે સ્થાનિક મહિલાઓએ રેડ પાડી દારૂનું વેચાણ કરતા ઈસમોને ભગાડ્યા હતા. મહિલાઓએ જાતે જ દેશી દારૂનો નાશ કર્યો હતો.

ઈનપુટ ક્રેડિટ- સુનિલ પટેલ- પાટણ

Next Video