Panchmahal : નવરાત્રી શરૂ થઇ ગઇ છે અને ભક્તો મા મહાકાળીના દર્શન માટે પાવાગઢ ખાતે ઉમટી પડ્યા છે. વહેલી સવારથી જ મંદિરના શિખર પર ભક્તોની ભીડ સર્જાઇ છે. માના દર્શન માટે ભક્તો દૂર-દૂરથી પહોંચી રહ્યા છે. જો કે, પગપાળા યાત્રા કરતા ભક્તોને તારાપુર દરવાજા પાસે હાલાકી પડી રહી છે. ભારે ભીડના કારણે અકસ્માતનો ભય પણ સર્જાયો છે. તેથી યોગ્ય બેરિકેટ અને તારાપુર દરવાજા પાસે વધુ જગ્યા કરવામાં આવે તેવી ભક્તોની માગ છે.
બીજી તરફ ભક્તો યોગ્ય રીતે દર્શન કરીને ધન્યતા અનુભવે તે માટે પોલીસ 24 કલાક ખડેપગે તૈનાત છે. મહત્વનું છે, ગઇકાલ પ્રથમ નોરતાથી જ ભક્તોનો ધસારો છે. મંદિર ટ્રસ્ટે મોડી રાત સુધી ગરબીનું આયોજન કર્યું હતું. ત્યારે, પ્રથમ નોરતાની રાતે ભક્તો મંદિર પરિસરમાં ગરબે ઘૂમ્યા હતા. ઉલ્લેખનીય છે, મંદિરનું વિસ્તૃતીકરણ કર્યા બાદ ભક્તો શાંતિપૂર્વક માના દર્શન કરી રહ્યા છે.