આગામી નવરાત્રીને લઈ પાવાગઢ ખાતે અનોખુ આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમ્યાન કોઈ મેડિકલ ઈમરજન્સી સર્જાય તો તેના માટે આરોગ્યને લગતી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પોલીસ દ્વારા યાત્રાળુંઓની સુરક્ષાને લઈ ખાસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.
એવી જ રીતે મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી દરમિયાન વહેલી સવારથી માતાજીના મંદિરના નિજ દ્વાર ખોલી મોડી રાત્રી સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે રોપવે સંચાલકો દ્વારા પણ રોપવેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આમ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા નવરાત્રીને અનુલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે દેશભરના માય ભક્તોની અતૂટ અને અખૂટ આસ્થા સંકળાયેલી છે અહીં વર્ષોથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી આવતા માઇ ભક્તો અમાસના દિવસે માતાજીના મંદિરમાંથી અખંડ જ્યોત પોતાના માતૃ વતન લઈ જતા હોય છે અને ત્યારબાદ પોતાના ગામ અને પોતાના ઘરે નવરાત્રી પર્વ દરમિયાન માતાજીની ઉપાસના કરતા હોય છે.
છેલ્લા બે દિવસથી અહીં બે લાખથી ઉપરાંત માય ભક્તોએ માતાજીના મંદિર ખાતે આવી અખંડ જ્યોત લઈ પોતાના માટે વતન જવા રવાના થયા હતા. અમાસના દિવસે અહીં આવેલા ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે સાથે જ માતાજી દ્વારા પોતાની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાનું પણ જણાવ્યું હતું.
યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રી પર્વ દરમિયાન મોટી સંખ્યામાં માઇ ભક્તો દર્શન માટે આવતા હોય છે. આ તમામ ભક્તો માતાજીના સુખડીનો પ્રસાદ પોતાને ઘરે લઈ જવા ની એક પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. જે બાબતને ધ્યાનમાં લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા હાલ સુખડીનો પ્રસાદ બનાવવાની કામગીરી ત્રણ શિફ્ટમાં કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Panchmahal : પંચમહાલમાં નાગરિકો અને વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા, જુઓ Photos
અહીં અંદાજિત રોજના 50 હજાર સુખડી પ્રસાદના પેકેટનું વેચાણ થઈ રહ્યું છે. આ સુખડીનો પ્રસાદ બનાવવા માટે વપરાશમાં લેવામાં આવતા ગાયનું ઘી ગોળ અને ઘઉંનો લોટ આ તમામ બાબતની ખરીદી મંદિર ટ્રસ્ટ દ્વારા પરીક્ષણ સાથે વર્ષોથી કરવામાં આવતી હોવાની પરંપરા નિભાવવામાં આવી રહી હોવાનું મંદિરના સેક્રેટરી અશોક પંડ્યાએ જણાવ્યું હતું.