ગુજરાત યુનિવર્સિટના પૂર્વ પ્રોફેસર પી.પી. પ્રજાપતિ વૉન્ટેડ હોવાના બેનર લાગ્યા છે. યુનિવર્સિટી કેમ્પસમાં જ આ પ્રકારના બેનર લાગતાં પ્રોફેસર અને વિદ્યાર્થીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. પૂર્વ પ્રોફેસર પીપી પ્રજાપતિ અને પ્રોફેસર રંજન સામે પોલીસ ફરિયાદ નોંધાયેલી છે અને તેમની સામે 23 લાખ રૂપિયાની ઉચાપતનો આરોપ લાગાવવામાં આવ્યો છે. જેને પગલે હાલમાં તે બંને ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચા છે. મહત્વનું છે કે પી.પી. પ્રજાપતિ અગાઉ સમાજ ભવનના હેડ પણ રહી ચૂક્યા છે.
ગુજરાત યુનિવર્સિટીની એકેડમીક કાઉન્સિલની બેઠકમાં આર્ટસ ફેકલ્ટીના પૂર્વ ડીન પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિ અને રંજન ગોહિલ નામની પૂર્વ અધ્યાપિકા તરફથી મળેલી તમામ ફરિયાદોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટી સત્તા મંડળ દ્વારા બંને તરફથી મળેલી ગંભીર ફરિયાદોની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં કોઈ તથ્ય ન જણાતા તેને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવ્યા હતા.
પી.પી. પ્રજાપતિ ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાં પ્રોફેસર તરીકે કાર્યરત હતા ત્યારે તેમના પર આરોપ લાગ્યો હતો કે સત્તાનો દૂર ઉપયોગ કરીને તેમણે MSW વિભાગમાં એક મહિલા અધ્યાપિકાને ખોટી રીતે નિમણૂક આપી હતી. માત્ર એટલું જ નહીં પ્રોફેસર પ્રજાપતિએ રંજન ગોહિલને ખોટી રીતે પીએચડીની ડીગ્રી અપાવી હોવાનો પણ આક્ષેપ કર્યા હતા.
Published On - 2:16 pm, Tue, 14 February 23