તેલની લૂંટ! ખાદ્યતેલ ભરેલ ટેન્કર રાધનપુર હાઈવે પર પલટી જતા લોકોએ ઢોળાતુ તેલ ભરી જવા પડાપડી કરી
બનાસકાંઠા જિલ્લાના શિહોર રાધનપુર હાઈવે પર તેલ ભરેલુ ટેન્કર પલટી ગયુ હતુ. ટેન્કર પલટવાની ઘટના બાદ સ્થાનિક અને અન્ય વાહનચાલકો સહિત લોકોએ ટેન્કરમાંથી ખાદ્યતેલ લેવા માટે પડાપડી કરી મુકી હતી. તેલ લેવા માટે લોકોએ રીતસરની લૂંટ ચલાવી હતી અને લોકોના મોટા ટોળા ઘટના સ્થળે ઉમટી પડતા સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી.
ગાંધીધામથી રાજસ્થાન તરફ જઈ રહેલ ખાદ્યતેલ ભરેલ ટેન્કરને કાંકરેજના માનપુરા પાટીયા નજીક અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ટેન્કર રોડની સાઈડમાં પલટી મારી જતા ટેન્કરમાંથી ખાદ્યતેલનો જથ્થો બહાર નિકળવા લાગતા લોકોના ટોળા સ્થળ પર ઉમટ્યા હતા. લોકોએ તેલની જાણે કે ટેન્કરમાંથી રીતસરની લૂંટ ચલાવી મુકી હોય એવા દ્રશ્યો જોવા મળતા હતા. તેલ લેવા માટે મોટા ટોળા ઉમટવાને લઈ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
આ પણ વાંચોઃ ફિલ્ડ માર્શલ સામ માણેકશાનો ગુજરાત સાથે હતો નાતો, આ શહેરમાં આવેલુ છે પૈતૃક ઘર
ટેન્કર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટેન્કરમાંથી તેલ ઢોળાવા લાગતા સ્થાનિક લોકોને ટેન્કરમાં ખાદ્ય તેલ પામોલીન હોવાનુ જણાતા તેને લેવા માટે પડાપડી કરી મુકી હતી. એક બાદ એક લોકોની સંખ્યા તેલ લેવા માટે ઘટના સ્થળે પહોંચવા લાગ્યા હતા. લોકોએ ડોલ અને તગારા સહિત જે હાથવગા સાધન થયા એ લઈને તેલને ભરીને લઈ જવા લાગ્યા હતા. લોકો પણ જાણે કહી રહ્યા હતા કે, બગાડ થવા કરતા ઉપયોગમાં આવે એ સારુ કહી તેલને ભરી ભરી લઈ જવા લાગ્યા હતા.
