Tapi: મધ્યાહન ભોજનમાં ઇયળો નીકળતા વાલીઓનો હોબાળો, મામલતદારે મધ્યાહન ભોજન સંચાલિકાને ફટકારી નોટિસ

| Edited By: | Updated on: Sep 24, 2022 | 5:15 PM

તાપીના (Tapi) નિઝર તાલુકાના મુબારકપુરા ગામની શાળામાં મધ્યાહન ભોજનમાં ઇયળો નીકળતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો. વાલીઓએ આ મામલે મામલતદારને ફરિયાદ કરી હતી.

એક તરફ બાળકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને સરકાર દ્વારા શાળામાં મધ્યાહન ભોજન (Mid-day Meal) આપવાની યોજનાઓ બનાવવામાં આવી છે. જો કે ઘણી વાર મધ્યાહન ભોજન બનાવનાર સંચાલકો દ્વારા મધ્યાહન ભોજન બનાવવા માટે વપરાતા અનાજની બરાબર ચકાસણી કરવામાં આવતી નથી. જેના કારણે વિદ્યાર્થીઓને યોગ્ય આહાર મળતો નથી. હાલમાં ફરી એક વખત મધ્યાહન ભોજન યોજનામાં ચાલતી લાલિયાવાડી સામે આવી છે. તાપીના (Tapi) નિઝર તાલુકાના મુબારકપુરા ગામની શાળામાં મધ્યાહન ભોજનમાં ઇયળો નીકળતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો. મધ્યાહન ભોજનમાં ઇયળો અને કીડી સહિતની અનેક જીવાતો નીકળી હતી. વિદ્યાર્થીઓએ વાલીઓને જાણ કરતા તેમણે સમગ્ર મામલે મામલતદારને ફરિયાદ કરી હતી.

ભોજનમાં નીકળી ઇયળ અને કીડી સહિતનો જીવાત

22 સપ્ટેમ્બરના રોજ તાપી જિલ્લાના મુબારકપુરા ગામમાં મધ્યાહન ભોજનની અંદર કીડી અને જીવાત જેવી વસ્તુ બાળકોને નજર આવી હતી. આ અંગે બાળકોએ તેમના વાલીઓને જાણ કરી હતી. જે પછી વાલીઓ નિઝર તાલુકાના મામલતદાર સાથે પહોંચ્યા હતા અને મધ્યાહન ભોજન અંગે ફરિયાદ કરી હતી. વાલીઓએ મામલતદારને ફરિયાદ કરી હતી અને જણાવ્યું હતું કે મુબારકપુરા ગામની પ્રાથમિક શાળામાં ઘણા સમયથી બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવે છે. પરંતુ મધ્યાહન ભોજનના સંચાલકની બેદરકારીના લીધે બાળકોને પીરસાયલી ડિશમાં વારંવાર જીવાતો નીકળવાની ઘટના બને છે. જેના કારણે બાળકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઇ રહ્યા છે.

નિઝરના મામલતદાર ફરિયાદ મળતા જ તરત સક્રિય બન્યા હતા અને મધ્યાહન ભોજન સંચાલિકા પૂજા માલયેને કારણદર્શક નોટિસ પાઠવી છે. આવતા સોમવાર એટલે કે 26 સપ્ટેમ્બર સુધીમાં આ ઘટના અંગે સ્પષ્ટતા આપવા જણાવવામાં આવ્યુ છે.

(વીથ ઇનપુટ- નિરવ કંસારા, તાપી)