આજે પાટણમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીનું મતદાન છે. 20 બેઠકો માટે 50 ઉમેદવારો મેદાને છે. 18 ડિસેમ્બરે મતગણતરી થવાની છે.. પરંતુ મતદાનના એક દિવસ પહેલા જ ચૂંટણી વિવાદમાં આવી હતી. ગઈકાલે એટલે કે 15 ડિસેમ્બરના રોજ NSUIના આગેવાનોએ બોગસ મતદાર યાદી તૈયાર કરાયાની જવાબદાર અધિકારીઓને રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ નોંધ ન લેવાતા કુલપતિની ચેમ્બર બહાર વિરોધ કરીને ચૂંટણી રદ કરવાની માગણી કરી હતી.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીનું આજે મતદાન થવા જઇ રહ્યુ છે. ત્યારે મતદાન શરુ થયુ તે પહેલા જ NSUIએ આક્ષેપ કર્યો હતો કે, બોગસ મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. મતદારોની યાદીમાં છબરડા કરવામાં આવ્યા છે. ક્યાંક બાળકોનો ફોટો જોવા મળ્યો છે. તો ક્યાંક નામમાં પણ ભુલ હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે NSUIએ કુલપતિને રજુઆત કરી છે. સાથે જ તપાસ માટે એક પોલીસ અરજી પણ આપી છે.
આર્ટ્સ વિભાગના 3200માંથી 1000 મતદારો બોગસ હોવાની NSUIએ પોલીસને જાણ કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે વિવિધ કૉલેજોમાંથી વિદ્યાર્થીઓના ડેટા, પ્રાઈવસીની ચોરી થઈ છે. NSUI પ્રમાણે, 2021ની જન્મતારીખ હોય તેવા લોકોનું પણ મતદાર યાદીમાં નામ જોવા મળ્યું છે. અનેક મતદારોની જન્મતારીખ, સરનામા, ફોટા અને નામ અલગ હોય તેવી પણ અનેક ભૂલો છે.