રસી નહીં તો પ્રવેશ નહીં ! સુરત મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય
અમદાવાદ બાદ સુરત મહાનગર પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેવા લોકોને જ જાહેર સ્થળો પર પ્રવેશ મળશે.
રાજ્યમાં તહેવારો બાદ હવે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. અને દિવસે દિવસે કેસ પણ વધી રહ્યાં છે જેને લઇ સરકારની ચિંતામાં વધારો થયો છે. ત્યારે આ વચ્ચે અમદાવાદ બાદ સુરત મહાનગર પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેવા લોકોને જ જાહેર સ્થળો પર પ્રવેશ મળશે.જે વ્યક્તિએ વેક્સિનનો એક ડોઝ લીધો હશે તેઓ જાહેર સ્થળે નહીં જઇ શકે. બાગ બગીચા, પ્રાણી સંગ્રહાલય, એકવેરિયમ, વાંચનાલય, સાયન્સ સેન્ટર, તરણકુંડ, સીટી બસ, BRTS બસ સ્ટેન્ડ ખાતે આવતા મુલાકાતીઓએ બંને ડોઝ લીધા હોય તેમને જ પ્રવેશ આપવામાં આવશે. એટલું જ નહીં જે વ્યક્તિએ વેકસીનનો એકપણ ડોઝ લીધો ન હોય અથવા બીજા ડોઝની અવધિ પૂર્ણ થયા બાદ પણ વેકસીનનો બીજો ડોઝ લીધો ન હોય તેવા લોકોએ જાહેર સ્થળે ફરજિયાત કોરોના ટેસ્ટ કરવાનો રહેશે.
આખરે જેનો ડર હતો તે સ્થિતિ સર્જાઇ. રાજ્યમાં તહેવારો બાદ કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. સતત નવા કેસમાં વધારો થવાની સાથે તંત્રની ચિંતા વધી રહી છે.ત્યારે સંક્રમણ વધતા જ રાજ્યનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. અને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગે મહાનગરોમાં ટેસ્ટિંગ વધારવાની જાહેરાત કરી છે. સાથે જ બહારથી આવતા નાગરિકોનું પણ ટેસ્ટિંગ કરવાની દિશામાં કામગીરી શરૂ કરાઇ છે. જોકે આ તમામની વચ્ચે નાગરિકોની બેદરકારી સામે આવી. રાજકોટ એસ.ટી ડેપો ખાતે નાગરિકોએ ભીડ જમાવી. અને કોરોનાનો નોતરૂ આપ્યું.