Kheda: રેલવે પોલીસ ચોકીમાં તોડફોડના મામલે નવો વળાંક, દારૂ સપ્લાઈની ચેઈન તૂટતા પોલીસ પર હુમલો કર્યાનો ખુલાસો, આરોપીઓને પકડવા બનાવાઇ ચાર ટીમ

|

Aug 03, 2022 | 4:18 PM

ખેડા (Kheda) જિલ્લાના મહેદાવાદ રેલવે ચોકીની અંદર વહેલી સવારે એક બનાવ બન્યો હતો. મહેમદાવાદ પોલીસ ચોકીમાં સાત જેટલા વ્યક્તિ ઘુસી આવ્યા હતા. પોલીસ ચોકીમાં ફરજ પરના બે પોલીસ કર્મચારીઓ પર આ સાત વ્યક્તિઓએ હુમલો કર્યો હતો.

ખેડાના (Kheda) મહેમદાવાદ રેલવે પોલીસ ચોકીમાં (Railway Police) તોડફોડનો મામલે નવો વળાંક આવ્યો છે. સૂત્રોનું માનીએ તો ટ્રેન મારફતે દારૂ સપ્લાયની ચેઈન તૂટતા બુટલેગરોએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ (Attack) કરાવી છે. દાવો છે કે, આરોપીઓ મહેમદાબાદથી ટ્રેન મારફતે અમદાવાદમાં દારૂની હેરાફેરી કરતા હતા. જો કે, બોટાદ ઝેરી દારૂકાંડ બાદ પોલીસ કડક બનતા ટ્રેન મારફતે દારૂ સપ્લાઈની ચેઈન તૂટી ગઈ છે. આ જ વાતથી બુટલેગરો અકળાયા અને પોલીસ પર હુમલો કરી દીધો. એટલું જ નહીં એવો પણ આરોપ છે કે, બુટલેગરો રેલવે પોલીસના કેટલાક કર્મચારીઓની મદદથી દારૂની હેરાફેરી કરતાં. જો કે, બીજી તરફ આ સમગ્ર મુદ્દે વડોદરા DySP મૌન સેવી રહ્યા છે.

આ કેસમાં વડોદરા રેલવે DySPએ આરોપીઓને પકડવા ચાર ટીમ બનાવી છે. અત્યાર સુધીમાં સાત હુમલાખોરો સામે રેલવે પોલીસે ગુનો દાખલ કર્યો છે. સરકારી કામમાં દખલગીરી અને સરકારી સંપત્તિને નુકસાન મુદ્દે કેસ દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે. તો સાથે જ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આરોપી ઝડપાયા બાદ આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.

મહત્વનું છે કે, ખેડા જિલ્લાના મહેદાવાદ રેલવે ચોકીની અંદર વહેલી સવારે એક બનાવ બન્યો હતો. મહેમદાવાદ પોલીસ ચોકીમાં સાત જેટલા વ્યક્તિ ઘુસી આવ્યા હતા. પોલીસ ચોકીમાં ફરજ પરના બે પોલીસ કર્મચારીઓ પર આ સાત વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. એક આરોપીએ ટોળુ એકત્ર કરીને પોલીસ ચોકીમાં હુમલો કર્યો હતો. આરોપી તાહીર તેના સાથીદારો સાથે હથિયારો લઇને પોલીસ સ્ટેશનમાં ઘુસી ગયો હતો.

આ તમામ આરોપીઓએ પોલીસ ચોકીમાં તોડફોડ કરી હતી. સાથે જ પોલીસ ચોકીમાં રહેલા બે પોલીસ કર્મચારીઓને પણ માર માર્યો હતો. ઇજાગ્રસ્ત બંને પોલીસ કર્મચારીઓને હાલ નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ વડોદરા ડિવિઝનના ડીવાયએસપી મુકેશ ચૌધરી દ્વારા પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

Published On - 4:17 pm, Wed, 3 August 22

Next Video