Navsari: વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો, ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો થતા ચકચાર
Navsari: વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો થયાની ઘટના ઘટી છે. જેને લઈને તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Navsari: નવસારીમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો છે. જેના કારણે રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. હુમલાના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યોએ વાંસદા પોલીસ સ્ટેશન પર મોડી રાત્રે વિરોધ પ્રદર્શન કર્યું. ધારાસભ્ય અનંત પટેલ પર હુમલાની ઘટના ગત રાત્રે ઉનાઈ ગામના પટેલ ફળિયામાં ઘટી હતી. પટેલ ફળિયામાં મીટિંગ કર્યા બાદ તેઓ પાછા ફરી રહ્યા હતા તે દરમિયાન ગામના પાંચ જેટલા શખ્સોએ ધારાસભ્યની કારને નિશાન બનાવી હતી.
કેટલાક તત્વોએ ગાડીની પાછળનો કાચ તોડી નાખતાં મામલો ગરમાયો હતો. ઘટનાની જાણ થતાં જ આદિવાસી સમાજના આગેવાનો, મહિલાઓ અને કોંગ્રેસના કાર્યકરો અનંત પટેલની સાથે વાંસદા પોલીસ સ્ટેશન પર પહોંચી ગયા હતા અને સૂત્રોચ્ચાર સાથે આરોપીઓને પકડવાની માંગ કરી હતી. અનંત પટેલ સહિત કૉંગ્રેસના કાર્યકરો મોડી રાત સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે આ અંગે કોઈ ફરિયાદ નહોતી નોંધાવી.
તો બીજીતરફ ઘટનાની જાણ થતા નાયબ પોલીસ અધિક્ષક સહિત તમામ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને આરોપીને પકડી પાડવાની ખાતરી આપી હતી. જ્યારે પોલીસ સ્ટેશન બહાર વિરોધ કરતા ધારાસભ્ય અને તેમના સમર્થકોને પોલીસે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને લઈ તાલુકામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
આ પણ વાંચો: ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પેપર લીક મુદ્દે રજૂ કરશે સરકારનો પક્ષ, આજે ફરિયાદ નોંધાય તેવી શક્યતા