Navsari: દક્ષિણ ગુજરતમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન જેવા જાહેર સ્થળો પર મોબાઈલ ચોરીને અંજામ આપતી ગેંગ ઝડપાઈ, ચોરીની મોડસ ઓપરેન્ડી જાણી ચોંકી જશો, જુઓ Video
મોબાઈલ એ દરેક વ્યક્તિની જરૂરિયાતનું સાધન બની ગયું છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાંથી નાના બાળકોને સાથે રાખીને મોબાઈલ ચોરીને અંજામ આપી બાંગ્લાદેશના વેચાણ કરવાના રેકેટનો નવસારી જિલ્લાની ચીખલી પોલીસે ખુલાસો કર્યો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી 19 ચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે.
દક્ષિણ ગુજરાતના રેલ્વે સ્ટેશન તેમજ બસ સ્ટેશન ઉપરથી બાળકોની મદદથી મોબાઈલ ચોરીના રેકેટનો નવસારી જિલ્લા પોલીસે ખુલાસો કર્યો છે. બાતમીના આધારે ચીખલી બસ સ્ટેન્ડ નજીકથી 49 જેટલા મોબાઈલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર ચોરીના રેકેટમાં નાના ત્રણ બાળકોને સામેલ પણ કરવામાં આવ્યા હતા અને કેટલાક આવા ભીડભાડવાળા વિસ્તારમાં બાળકો સાથે રાખી વિવિધ ટેક્નિક અજમાવી લોકોના મોબાઈલ તફડાવી લેવામાં આવતા હતા.
આ ચોર ઈસમોની મોડસ ઓપરેંડી એવી હતી કે આ વ્યક્તિઓ દ્વારા મોબાઈલ ચોરી માટે બાળકોને પોતાની સાથે રાખી જાહેર સ્થળો પર ગજવામાં મોબાઈલ લઈને જતા વ્યક્તિ ને ધક્કો મારવામાં આવતો હતો અને સાથે રહેલા બીજા ઈસમો પાકીટમાંથી મોબાઈલ સેરવી પલાયન થઈ જતા હતા. વિવિધ યોજનાઓ બનાવી મોબાઈલ ચોરીના 19 જેટલા ગુનાઓને અંજામ આપ્યો હતો જેમાં 49 જેટલા મોબાઈલ જેની કિંમત ₹ 6, 29,000 જેટલી થાય છે. આ ગુનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
પકડાયેલા આરોપીઓના નામ
- સુધીરકુમાર મણિદાસ રહે. ઝારખંડ
- બબલુ કુમાર પપ્પુ શાહ રહે. ભાગલપુર બિહાર
દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને બારડોલી વિસ્તારમાંથી રેલ્વે સ્ટેશન તેમજ બસ સ્ટેશન પરથી મોબાઇલ ચોરીને આ ઇસમોએ અંજામ આપ્યો હતો જેમાં બિહાર અને ઝારખંડનો સુધીર કુમાર અને બબલુ કુમાર દ્વારા બાળકોને સાથે રાખીને ચોરીનું કાવતરું રચવામાં આવતું હતું. સમગ્ર ઘટનાક્રમમાં દક્ષિણ ગુજરાતમાંથી મોબાઇલ ચોરી કર્યા બાદ બિહાર થઈ બાંગ્લાદેશમાં મોબાઈલ વેચાણ કરવામાં આવતું હોવાના રેકેટનો પર્દાફાસ થયો છે. સમગ્ર ઘટનાક્રમમાં ચોરાયેલા મોબાઈલ કોઈ દેશ સામે કાવતરું કરવાના આશયથી તો ઉપયોગમાં લેવામાં આવ્યા નથી ને? અને મુખ્ય ખરીદદાર કોણ છે? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત)