Ahmedabad : 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રા, 1500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત, જુઓ Video
આજે અમદાવાદના આંગણે અનોખો ઉત્સાહ છે. 614 વર્ષ બાદ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજી આજે નગરચર્યાએ નીકળ્યા છે. સવારે 7:30 કલાકે માતાજીના રથને પ્રસ્થાન કરાવાયું.
આજે અમદાવાદના આંગણે અનોખો ઉત્સાહ છે. 614 વર્ષ બાદ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજી આજે નગરચર્યાએ નીકળ્યા છે. સવારે 7:30 કલાકે માતાજીના રથને પ્રસ્થાન કરાવાયું. 614 વર્ષ જૂની પરંપરા આજે પુનઃ જીવંત બની છે. ભદ્રકાળી માતાજીની મૂર્તિ અચલ હોવાથી પ્રતિકાત્મક રીતે માતાજીની તસવીર અને ચરણ પાદુકાને રથમાં બિરાજમાન કરીને રથમાં પ્રસ્થાન કરાવાયું છે. અમદાવાદના મેયર, ધારાસભ્યો અને સાંસદ પહિંદ વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ અવસરને ખૂબ જ ખાસ ગણાવ્યો.
614 વર્ષ બાદ દેવીની નગરયાત્રા
ત્રણ દરાવાજા ખાતે માતાજીના આરતી ઉતારાશે, ત્યારબાદ માણેકનાથના વંશજો બાબા માણેકનાથ મંદિર માણેકચોક ખાતે મા ભદ્રકાલીના પાદુકાની આરતી કરાશે. બાબા માણેકનાથ મંદિરથી થઈને નગર યાત્રા એએમસી કોટા કાર્યાલય ખાતે પહોંચશે જ્યાં મેયર અને અધિકારીઓ પૂજા અર્ચના કરશે. આ પછીનો પડાવ જગન્નાથ મંદિરનો છે જ્યાં મંદિરના મહંત દિલીપદાસજી મા ભદ્રકાળીની ચરણપાદુકાની પૂજા અને રથનું સ્વાગત કરશે.
ત્યારબાદ પૌરાણિક મહાલક્ષ્મી મંદિર ખાતે રથનું સ્વાગત અને આરતી કરવામાં આવશે.એ પછી વસંત ચોક ખાતે આવેલ પ્રાચીન ગણેશ મંદિરના પૂજારી દ્વારા રથનું સ્વાગત અને મા ભદ્રકાળી આરતી થશે.જે બાદ બહુચર માતાના મંદિરે રથ પહોંચશે ત્યાં સ્વાગત અને આરતી બાદ મા ભદ્રકાળીના મંદિર ખાતે નગરયાત્રાની પૂર્ણાહુતિ થશે.
નગરયાત્રામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત !
મહાશિવરાત્રિના દિવસે પ્રથમ વખત નગરદેવી ભદ્રકાળી નગરયાત્રાએ નીકળ્યા છે. ત્યારે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત પર નજર કરીએ તો એક JCP, બે DCP, ચાર ACP, 20થી વધુ PI-PSI સહિત કુલ 1500થી વધુ પોલીસ કર્મચારી બંદોબસ્તમાં છે.
