Gujarat Election: બાપુનગર વિધાનસભા માટે 50થી વધુ દાવેદારો, સ્થાનિક દાવેદારોની અવગણના થતી હોવાના થયા આક્ષેપ
અમદાવાદ (Ahmedabad) શહેરની 8 અને જિલ્લાની બે બેઠક પર આજે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. આજે અમદાવાદ શહેરની મણિનગર, અમરાઈવાડી, ખાડિયા, જમાલપુર-ખાડિયા, એલિસબ્રિજ, બાપુનગર, ઠક્કર બાપા નગર તથા નિકોલ વિધાનસભા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે. ત્રણ દિવસ માટે નિરીક્ષકો દ્વારા તમામ મહાનગરો અને જિલ્લાઓમાં સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. અમદાવાદ શહેરની 8 અને જિલ્લાની બે બેઠક પર આજે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. આજે અમદાવાદ શહેરની મણિનગર, અમરાઈવાડી, ખાડિયા, જમાલપુર-ખાડિયા, એલિસબ્રિજ, બાપુનગર, ઠક્કર બાપા નગર તથા નિકોલ વિધાનસભા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ છે. તો અમદાવાદ જિલ્લાની વિરમગામ અને સાણંદ બેઠકની સેન્સ લેવાઇ રહી છે.
બાપુનગર વિધાનસભા માટે 50થી વધુ દાવેદારોએ ચૂંટણી લડવા માટેની દાવેદારી નોંધાવી છે. પૂર્વ Dysp તરુણ બારોટ, બાપુનગરના ભાજપના ચારેય કોર્પોરેટર, AMC શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, ભાજપ સોશિયલ મીડિયા પ્રભારી પંકજ શુક્લા, શહેર મહામંત્રી પરેશ લાખાણીએ આ બેઠક માટે દાવેદારી નોંધાવી છે. જ્યારે મહિલાઓમાં શ્રધ્ધા ઝા, અસારવાના કોર્પોરેટર મેનાબેન પટણી સહિતના દાવેદારોએ બાપુનગર વિધાનસભા બેઠક માટે દાવેદારી નોંધાવી છે.
આ તરફ સેન્સ પ્રક્રિયા સમયે જ બાપુનગર વિધાનસભા બેઠક પરનો ભાજપનો આંતરિક વિવાદ સામે આવ્યો. સેન્સમાં પ્રક્રિયા દરમિયાન નિરીક્ષકો પાસે સ્થાનિક નેતાઓ અને આગેવાનોએ પોતાના જ નામ ગ્રાહ્ય રાખવા પર ભાર મુક્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જેમાં બાપુનગરના કોર્પોરેટર ભાસ્કરભાઈ ભટ્ટ, હાઉસીંગ કમિટીના ચેરમેન અશ્વિન પેથાણી, સોલિડ વેસ્ટ એન્ડ મેનેજમેન્ટનાં વાઇસ ચેરમેન પ્રકાશ ગુર્જર અને દિનેશ કુશવાહએ વોર્ડ પ્રમુખ – મહામંત્રી અને હોદ્દેદારો પર દબાણ કરી પોતાના જ નામની રજૂઆત કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.