કથાકાર મોરારી બાપુના ગામ એવા તલગાજરડામાં બેર મેઘ ખાંગા જેવી સ્થિતિ નિર્માણ પામી છે. ગામમાં એકસામટો 9 ઈંચ વરસાદ ખાબકી જતા બેટમાં ફેરવાઈ ગયુ છે. ગામમાં જ્યાં જુઓ ત્યા સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. ગામની અંદર પાંચથી 6 ફુટ જેટલા પાણી ભરાયા છે. પૂરના આ પાણીમાં ગામની પ્રાથમિક શાળાના 40 થી 50 બાળકો કલાકો સુધી ફસાયા હતા. આ બાળકોને હાલ ભારે જહેમત બાદ રેસક્યુ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમે તમામ વિદ્યાર્થીઓના રેસક્યુની કામગીરી હાથ ધરી હતી. ભારે વરસાદને પગલે તંત્ર પણ સતત ગામ પર નજર રાખી રહ્યુ છે. SDM, મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. ગામ બેટમાં ફેરવાતા સંપર્ક વિહોણુ બન્યુ છે.
મહુવા તાલુકા અને આસપાસના ગામોમાં મેઘરાજાએ શરૂઆતમાં જ તોફાની બેટીંગ કરતા ઠેર ઠેર પૂરની સ્થિત સર્જાઈ છે. તલગાજરડા ગામમાં 4 કલાકમાં જ ધમધોકાર 9 ઈંચ વરસાદ ખાબકી જતા ચોતરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. હાલ થોડુ પાણી ઉતરતા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
તલગાજરડામાં ઉપરવાસમાં નદીનો કોઝવે તૂટી જતા ગામ આખુ બેટમાં ફેરવાઈ જતા અનેક લોકોનું રેસક્યુ કરી તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar
Published On - 6:01 pm, Mon, 16 June 25