Bharuch : ભરૂચ જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ છવાયો છે. ભરૂચમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે તો અંકલેશ્વર(Ankleshwar)માં બે તબક્કામાં ધોધમાર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી હતી. અંકલેશ્વર શહેર અને તાલુકામાં 2 ઇંચ જયારે જીઆઇડીસી વિસ્તારમાં ૩ ઇંચ વરસાદ ખાબક્યો હતો. અંકલેશ્વરના કોસમડી અને પિરામણ નજીકના વિસ્તારમાં વરસાદી પાણી ભરવાની સમસ્યાઓ સામે આવી હતી. ભરૂચમાં વરસાદી પાણીમાં વાહન ફસાઈ જવાના કારણે લોકોના જીવ જોખમમાં મુકવાની બે ઘટનાઓ સામે આવી હતી.
ભારે વરસાદ બાદ પિરામણ નજીક વરસાદી પાણીમાંથી બસ કાઢવાનો પ્રયાસ કરવામાં આવતા બસ ફસાઈ ગઈ હતી. વરસાદી પાણીમાં મુસાફરોનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. લોકોના જીવ જોખમમાં મુકતા ટ્રેકટરની મદદથી બસના મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.
ભરૂચ નગર સેવા સદનના ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવીના જણાવ્યા અનુસાર ભરૂચ શહેરની ટોપોગ્રાફી અનઈવન છે. જુના ભરૂચના વુસ્ટરોનું વરસાદી પાણી લાલબજાર વિસ્તારમાં આવેલી મુખ્ય ગટર દ્વારા નર્મદા તરફ જાય છે. વરસાદ બાદ સાંજના સમયે એક કાર ચાલક વરસાદ બાદ આ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે કાર રોડ ઉપરથી ખુલ્લી ગટર તરફ ઝૂકી ગઈ હતી. ધસમસતા પ્રવાહ અને મોટી ગટરના કારણે કાર પલ્ટી જવાનો ભય ઉભો થયો હતો.
સ્થાનિકોએ કાર ચાલકને બહાર કાઢી કાર સલામત બહાર કાઢવા પ્રયાસ કર્યા હતા પરંતુ જોખમી પરિસ્થિતિ નજરે પડતા ફાયરબ્રિગેડને કોલ અપાયો હતો. ભરૂચ ફાયર બ્રિગેડે દોરડા બાંધી કાર પાછળની તરફ ખેંચી ચાલક અને કારને સલામત બહાર કાઢી હતી.
કાર ફસાઈ જવાની વધુ એક ઘટના અંકલેશ્વરમાં બની હતી. અંકલેશ્વર- વાલિયા રોડ પર પાણીના નિકાલની સમસ્યા ઉભી થઇ હતી. વરસાદી પાણીના ભરવાના કારણે મુખ્ય માર્ગ પર પાણી વચ્ચે વાહનોની કતાર પડી હતી. કોસમડી ગામ વરસાદી પાણીમાંથી જોખમીરીતે કાર પસાર કરવાના પ્રયાસ દરમિયાન વાહન પાણીમાં ફસાયું હતું. વાહનચાલકે સમયસૂચકલતા વાપરી વાહનમાંથી બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો. કારને સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવી હતી. ભારે વરસાદના પગલે આમલાખાડી વોર્નિગ લેવલ પર પિરામણ નજીક વહેતી જોવા મળી હતી.
ભરૂચમાં વરસાદી ઝાપટા વચ્ચે રસ્તા બિસમાર બનવાની સમસ્યા સર્જાઈ છે. શહેરના ઘણા વિસ્તારોમાં મુખ્ય માર્ગ ઉપર ખાડા પડ્યા છે. બિસમાર રસ્તાઓના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના પ્રવેશદ્વાર સામે મુખમાર્ગ ઉપર ડ્રેનેજ લાઈનમાં ભંગાણ થતા અહીં ટુ વહીલર ચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ હતી. એક સ્થાનિક આ ભંગાણથી દૂરના અંતરેથી વાહનો પસાર થાય તે માટે પ્રયાસ કરતો નજરે પડ્યો હતો જેને લોકોએ બિરદાવ્યો હતો.
Published On - 7:54 am, Thu, 20 July 23