ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને ભાજપે (BJP) તૈયારીઓ આરંભી છે. જેમાં રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધ્યા છે. જેના ભાગરૂપે રાજ્યના પ્રવાસે આવેલા કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ (Piyush Goyal) આજથી બે દિવસના પાટણ જિલ્લાના પ્રવાસે છે. પાટણમાં કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલની અધ્યક્ષતામાં ભાજપ કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં પક્ષમાં ચાલતા આંતરિક વિખવાદ દુર કરવા સૂચના આપવામાં આવી. સાથે જ વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી.
કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ આજથી પાટણના બે દિવસના પ્રવાસે છે. કેન્દ્રીય વાણિજ્યપ્રધાન પિયુષ ગોયલની અધ્યક્ષતામાં પાટણના હેમચંદ્રાચાર્ય ઉ.ગુજરાત યુનિવર્સિટીના કન્વેનશન હોલમાં 7 વિધાનસભા બેઠક માટેની ભાજપ કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં પાટણ જિલ્લા ભાજપના વિવિધ હોદ્દેદારો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પ્રતિનિધિ તેમજ ભાજપના વિવિધ સંઠનાત્મક મોરચા અને સેલના હોદ્દેદારો સાથે ચર્ચા કરી હતી.
સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ બેઠકમાં સભ્યોને પાર્ટીમાં ચાલતા તમામ પ્રકારના આંતરિક વિખવાદ દૂર કરવા કડક સૂચના અપાઈ છે. તમામ પ્રકારના આંતરિક મતભેદો દૂર કરી પક્ષ માટે સંગઠિત થઈને કામ કરવા આદેશ અપાયા છે. તેમજ ઉમેદવારને જીતાડવા તમામને મહેનત કરવા સૂચના અપાઈ છે. આ સિવાય પિયુષ પાટણમાં અનેક સંગઠનાત્મક કાર્યકરોમાં હાજરી આપીને કાર્યકરોને માર્ગદર્શન આપશે. આ ઉપરાંત વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓની સમીક્ષા પણ કરી રહ્યા છે.
ગઈકાલે એટલે કે 20 ઓગસ્ટે કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે જીટીયુ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા પ્રોજેકટની મુલાકાત લીધી હતી. તેમજ GTUના ઈંક્યુબેશન સેન્ટર ખાતે થયેલા સ્ટાર્ટ-અપનું પણ નિરીક્ષણ કર્યું હતું તો મેક એન્ડ બ્રેક, ટેકનો IT હબ અને સ્પેરો હેલ્થ LLP સ્ટાર્ટઅપનું પણ નિરિક્ષણ કર્યું હતું. આ સાથે કેન્દ્રિય પ્રધાન દ્વારા GTUના કોન્ફરન્સ હોલ ખાતે મોદી@20 પુસ્તક પર મંથન કરવામાં આવ્યું હતું.