બાબરકોટ રિઝર્વ ફોરેસ્ટમાં માઈનિંગ મુદ્દે ગરમાયું રાજકારણ: ધારાસભ્યે વનમંત્રીને પત્ર લખી વ્યક્ત કરી નારાજગી

| Edited By: | Updated on: May 12, 2026 | 6:06 PM

અમરેલીના જાફરાબાદમાં બાબરકોટ જંગલની જમીન ખાનગી કંપનીને આપવાના નિર્ણયથી સિંહપ્રેમીઓ અને ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. ધારાસભ્ય હીરા સોલંકીએ વનમંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખીને ચેતવણી આપી છે કે, જો માઈનિંગ શરૂ થશે તો વન્યજીવો અને માનવ વચ્ચે ઘર્ષણ વધશે, જે સિંહોના અસ્તિત્વ માટે જોખમી સાબિત થઈ શકે છે.

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા બાબરકોટ રિઝર્વ ફોરેસ્ટમાં ખાનગી કંપનીને માઈનિંગ માટે જમીન ફાળવવાના નિર્ણય સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. આ જંગલ વિસ્તાર સિંહોના સંવર્ધન અને વસવાટ માટે અત્યંત મહત્વનો ગણાય છે, ત્યારે અહીં માઈનિંગની મંજૂરી આપવાના પ્રયાસોથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ધારાસભ્ય હીરા સોલંકીની કડક રજૂઆત

આ મામલે સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીએ મેદાને આવી વનમંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, જંગલમાં માઈનિંગની મંજૂરી આપવાથી એશિયાઈ સિંહોના અસ્તિત્વ સામે મોટું જોખમ ઉભું થશે. સિંહોના સંવર્ધન માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય ત્યારે માઈનિંગની મંજૂરી આપવી તે તંત્રની બેધારી નીતિ દર્શાવે છે.

અધિકારીઓના મૌન સામે સવાલો

હીરા સોલંકીએ આ મામલે PCCF, CF અને DCF સહિતના ઉચ્ચ વન અધિકારીઓના મૌન સામે પણ સવાલો ઉઠાવ્યા છે. માઈનિંગની પ્રવૃત્તિ વધવાથી સિંહોના કુદરતી નિવાસસ્થાનમાં ખલેલ પહોંચશે, જેના કારણે સિંહો રેણાંક વિસ્તારોમાં ઘૂસી આવશે અને ગ્રામજનો તથા સિંહો વચ્ચે સંઘર્ષ (Man-Animal Conflict) વધવાની ભીતિ છે.

લોકરોષ અને પર્યાવરણની ચિંતા

બાબરકોટ રિઝર્વ ફોરેસ્ટની જમીન ઉદ્યોગપતિઓને સોંપવાના વિરોધમાં લોકો હવે રસ્તા પર ઉતરે તેવી શક્યતા છે. ધારાસભ્યએ માંગ કરી છે કે વન વિભાગ અને સરકાર તાત્કાલિક ધોરણે આ મંજૂરી રદ કરે અને સિંહોના રક્ષણ માટે કડક પગલાં લેવામાં આવે. ભવિષ્યમાં આ મામલો વધુ ઉગ્ર બને તેવા સંકેતો મળી રહ્યા છે.

જ્યાં એક તરફ ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે, તેની સાથે પ્રદૂષણ પણ વધી રહ્યું છે. નવા શહેરીકરણ માટે ઝાડો કાપવામાં આવી રહ્યા છે અને કેટલાક ખનિજ પદાર્થો મેળવવા માટે લીલાછમ જંગલોને પણ ધીરે ધીરે ખતમ કરવામાં આવી રહ્યા છે. સરકાર ‘વન મિલિયન ટ્રી’ (દસ લાખ વૃક્ષો) જેવો કોન્સેપ્ટ માત્ર એ બતાવવા માટે બહાર પાડે છે કે તેમને ચિંતા છે, પરંતુ વાસ્તવમાં તેમને જનતાની કોઈ ચિંતા નથી. તેમને ન તો કોઈ માનવની ચિંતા છે કે ન તો કોઈ પ્રાણીની; તેઓ ફક્ત પોતાનું ગજવું ભરવામાં લાગ્યા છે કે કેવી રીતે તેમની તિજોરી હંમેશા ગરમ રહે…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ : અમિત ચાવડા અને તુષાર ચૌધરીને દિલ્હી હાઈકમાન્ડનું તેડું

Follow Us