હવામાન વિભાગે (Meteorological department) આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં (Gujarat) હજુ એક દિવસ વરસાદનું (Rain) જોર યથાવત રહેશે. આગાહી પ્રમાણે ગુજરાતના દરિયાાકાંઠે આગામી 24 કલાકમાં લો પ્રેશર સિસ્ટમ થશે. જેના પગલે દરિયાકિનારાઓ પર ભારે પવન ફુંકાશે. માછીમારો અને બંદરો માટે પણ ચેતવણી આપવામાં આવી છે તો બીજી તરફ ગુજરાતના કેટલાક બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યુ છે. લોકોને દરિયાકાંઠે ન જવા માટે તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે.
વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, ગીર-સોમનાથ, દેવભૂમિદ્વારકામાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. ત્યારે પોરબંદર પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યુ છે. સમુદ્રમાં લો પ્રેશરને પગલે પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયુ છે તો અહીં માછીમારોને દરિયામાં ન જવા અને સાવચેત રહેવા જણાવવામાં આવ્યુ છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. ભારે પવનને કારણે અરબી સમુદ્રમાં ઉંચા મોજા ઉછળતા લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે તો માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે. આ તરફ અમરેલીના જાફરાબાદ બંદર પર પણ 3 નંબરનું સિગ્નલ લગાવાયુ છે. દરિયાકાંઠે લાઈટ હાઉસ વિસ્તારમાં તંત્રએ સિગ્નલ લગાવ્યું છે. પીપાવાવ દરિયાઈ કોસ્ટલ વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. વરસાદનું જોર અને પવનની ગતિ અહીં વધે શકે તેવી શક્યતા છે.
આ તરફ ઓખા બંદર પર પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. હવામાન ખાતાની આગાહી અને સલામતી અર્થે ગુજરાત મેરી ટાઇમ બોર્ડે દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. માછીમારો અને કાંઠા વિસ્તારના લોકોને દરિયાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.