Weather Update : કમોસમી વરસાદ બાદ ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી, રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે

| Edited By: | Updated on: Jan 30, 2023 | 5:02 PM

Weather : રાજસ્થાન તરફ સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં બે દિવસથી માવઠું આવ્યું હતું. જો કે હવામાન વિભાગે હવે માવઠાની કોઇ શક્યતા ન હોવાની આગાહી કરી છે.

ફરીથી ગુજરાતમાં કડકડતી ઠંડી અનુભવવા તૈયાર થઇ જજો. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદના કારણે તાપમાનમાં વધારો થયો છે. જો કે આવતીકાલથી તાપમાનમાં ઘટાડો નોંધાશે. આવતીકાલથી તાપમાનનો પારો 3 ડિગ્રી ઘટતા ઠંડી વધશે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ 20 કિમીની ઝડપે પવન ફુંકાશે. જેના કારણે ભારે પવન સાથે ઠંડીનો અનુભવ થશે.

રાજસ્થાન તરફ સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં બે દિવસથી માવઠું આવ્યું હતું. જો કે હવામાન વિભાગે હવે માવઠાની કોઇ શક્યતા ન હોવાની આગાહી કરી છે. સાથે જ હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ઉત્તર-પૂર્વના પવન વધુ રહેવાથી ઠંડીમાં વધારો રહેશે. તો સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય રહેશે.

મહત્વનું છે કે, છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાંક શહેરોમાં વહેલી સવારથી ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. તો સાથે જ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ ખાબક્યો છે. કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. ગઇકાલે 20થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સિદ્ધપુર અને વડગામમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે એકાએક વરસાદ થવાના કારણે લગ્ન પ્રસંગોમાં ભંગ પડ્યો છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, આણંદ, મહેસાણા, સુરત સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના પાલનપુર પંથકમાં ગત રાત્રે એક ઈંચ કમોસમી વરસાદ પડ્યો છે. તો સિદ્ધપુર અને વડગામમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો છે. અંબાજી, અમદાવાદ, મહેમદાવાદમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. ત્યારે રાજ્યમાં સતત બીજા દિવસે પણ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે.