રસ્તા પીગળ્યા કે ભ્રષ્ટાચાર બહાર આવ્યો ? ગરમીમાં ડામર પીગળતા પાલિકાના ભ્રષ્ટાચારની પોલ ખુલી, જનતામાં ભારે રોષ – જુઓ Video

| Updated on: Mar 09, 2026 | 6:17 PM

હજુ તો ઉનાળાની વિધિવત શરૂઆત થઈ છે અને ત્યાં જ નવસારી નગરપાલિકાના હલકી ગુણવત્તાવાળા રસ્તાઓએ જવાબ આપી દીધો છે. તંત્રની નબળી કામગીરીને કારણે અત્યારે બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

નવસારીમાં ઉનાળાની શરૂઆતે જ તંત્રની નબળી કામગીરીના નમૂના સામે આવ્યા છે. શહેરમાં ગરમીનો પારો 38 ડિગ્રીએ પહોંચતાની સાથે જ અનેક માર્ગો પર ડામર પીગળવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જેના કારણે પાલિકાના રસ્તાઓની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

ખાસ કરીને નવસારી ટાઉન પોલીસ ચોકીથી ટાટા સ્કૂલ સુધીના મુખ્ય માર્ગ પર ડામર પીગળીને રસ્તાની સપાટી પર આવી જતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બજારમાં ખરીદી કરવા આવતા લોકો માટે આ રસ્તો માથાના દુખાવા સમાન બન્યો છે.

ગરમીને કારણે ડામર એટલી હદે પીગળી રહ્યો છે કે, રાહદારીઓના ચંપલ રસ્તા પર ચોંટી રહ્યા છે અને તૂટી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે ટુ-વ્હીલર ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે, કારણ કે ચીકણા ડામર પર વાહન સ્લિપ થવાનો સતત ભય સતાવી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, હલકી ગુણવત્તાની કામગીરીને કારણે ઘણા લોકો દુર્ઘટનાનો શિકાર બન્યા છે. હજુ તો ઉનાળાની શરૂઆત છે, ત્યારે આગામી દિવસોમાં જો ગરમી વધશે તો આ માર્ગોની હાલત વધુ બદતર થવાની ભીતિ સેવાઈ રહી છે.

ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. હવામાન વિભાગ દ્વારા તેને લઇને આગાહી કરવામાં આવે છે.  TV9 ગુજરાતી દ્વારા આ રોજે રોજના હવામાન વિશે આગાહી કરવામાં આવે છે.જેને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Published on: Mar 09, 2026 06:17 PM