સુરતના અનોખા ‘દેશભક્ત’ જીતેન્દ્રસિંહને PMOનું આમંત્રણ, 2 લાખ શહીદોનો ડેટા રાખનાર ગાર્ડ જશે દિલ્હી
સુરતમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ રાઠોડે 2 લાખથી વધુ શહીદોની માહિતીનો અનોખો સંગ્રહ તૈયાર કર્યો છે. કારગિલ યુદ્ધથી પ્રેરાઈને શરૂ થયેલી આ દેશભક્તિની સફર હવે તેમને દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસના મહેમાન તરીકે લઈ જઈ રહી છે.
દેશભક્તિ કોઈ હોદ્દા કે સંપત્તિની મોહતાજ નથી હોતી, તેનો જીવંત પુરાવો સુરતના જીતેન્દ્રસિંહ રાઠોડે આપ્યો છે. સુરતમાં સિક્યુરિટી ગાર્ડની સામાન્ય નોકરી કરતા જીતેન્દ્રસિંહ પાસે પ્રથમ વિશ્વયુદ્ધથી અત્યાર સુધીના 2.07 લાખથી વધુ શહીદોની વિગતો અને ડેટા ઉપલબ્ધ છે. તેમની આ અદ્ભુત સેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડ નિહાળવા માટે દિલ્હીનું ખાસ આમંત્રણ મોકલ્યું છે.
મૂળ રાજસ્થાનના વતની જીતેન્દ્રસિંહના હૃદયમાં 1999ના કારગિલ યુદ્ધ વખતે દેશભક્તિના બીજ રોપાયા હતા. ત્યારથી તેઓ શહીદોના પરિવારોને પોસ્ટકાર્ડ લખી પોતાની સંવેદના વ્યક્ત કરે છે. અત્યાર સુધીમાં તેઓ 2 લાખથી વધુ પરિવારોને પત્ર લખી ચુક્યા છે અને 15 હજારથી વધુ શહીદ પરિવારો સાથે સીધા મોબાઈલ સંપર્કમાં છે. તેમની ઈચ્છા એક ભવ્ય ‘શહીદ સ્મારક હોલ’ બનાવવાની છે.
આ કહાનીનો સૌથી ભાવુક વળાંક ત્યારે આવ્યો જ્યારે 10 દિવસ પહેલાં તેમને PMO (વડાપ્રધાન કાર્યાલય) માંથી ફોન આવ્યો. તે સમયે જીતેન્દ્રસિંહના બેંક ખાતામાં માત્ર 102 રૂપિયા હતા અને તેમની પાસે દિલ્હી જવાની પણ સગવડ નહોતી. જોકે, તેમની નિઃસ્વાર્થ સેવાની કદર કરતા સરકાર દ્વારા તેમના અને તેમની પત્ની માટે ફ્લાઈટની ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ પ્રથમવાર વિમાનમાં મુસાફરી કરી દિલ્હી પહોંચશે અને દેશના શૌર્યના સાક્ષી બનશે.