ભરૂચમાં સાગબારા જંગલ જમીન ખેડાણ મામલે આંદોલનના મંડાણ, વનમંત્રી પર આક્ષેપો બાદ હવે મનસુખ વસાવાના બદલાયા સૂર
ભરૂચના સાગબારા જંગલ જમીન ખેડાણ મામલે આજથી આંદોલનના મંડાણ થયા છે. પહેલા જ દિવસે સાંસદ મનસુખ વસાવાએ આંદોલનમાં ન જોડાતા સવાલ ઉઠવાના શરૂ થયા હતા. જો કે મનસુખ વસાવાએ વિપક્ષ પર નિશાન સાધી ગેરહાજરીનું કારણ પણ જણાવ્યુ હતુ.
ભરૂચના સાગબારા વિસ્તારમાં જંગલ જમીનના ખેડાણ મુદ્દે આજથી શરૂ થયેલા આંદોલના મંડાણ થયા છે. અગાઉ વનમંત્રી સામે આક્ષેપો કરનારા સાંસદ મનસુખ વસાવાના તાજેતરના નિવેદનથી ચર્ચા વધુ ઘેરી બની છે.
આંદોલનમાં પોતાની ગેરહાજરી અંગે સ્પષ્ટતા કરતા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે તેઓ ગાંધી જયંતિના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી જોડાઈ શક્યા નથી. જોકે, તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. વસાવાએ વિપક્ષના નેતાઓને માત્ર સ્ટંટબાજી કરનારા ગણાવ્યા અને ભારપૂર્વક કહ્યું કે આ પ્રશ્નનો કાયમી ઉકેલ ફક્ત રાજ્ય સરકાર જ લાવી શકે છે. તેમણે ઉમેર્યું કે તેઓ સમયસર સાગબારાના ખેડૂતોની જંગલ જમીન ખેડાણની ચિંતા કરતા રહ્યા છે અને તેમની વતી સરકારમાં રજૂઆતો પણ કરી છે. આવનારા દિવસોમાં પણ તેઓ ખેડૂતોને ન્યાય મળે તે માટે પીછેહઠ નહીં કરે.
જંગલ જમીનના ખેડાણનો મુદ્દો ફરી એકવાર રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સ્થાનિક સ્તરે આંદોલનને લઈને હલચલ વધી છે અને જમીનના ઉપયોગ તથા વન વિભાગ સાથે જોડાયેલા પ્રશ્નો લાંબા સમયથી ચર્ચામાં છે. હવે સૌની નજર રાજ્ય સરકારના નિર્ણય પર છે કે આ વિવાદનો શું ઉકેલ લાવવામાં આવે છે.
