યુનિયન બેંકની હરાજીમાં 250 કરોડનુ મૂલ્ય ધરાવતી માંડવી સુગરમિલને માત્ર 37 કરોડમાં વેચી મારવામાં આવી છે. કરોડોની જમીન અને સુગર ફેક્ટરી સસ્તા દરે વીચા મારવામાં આવતા સભાસદોમાં ભારોભાર રોષ ભભૂક્યો છે. સભાસદોએ ન્યાય અને હરાજી પર રોક લગાવવાની માગ સાથે આંદોલન શરૂ કર્યું છે. પોસ્ટર વોર દ્વારા ખેડૂતો હવે આ મામલાને સરકાર સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોસ્ટરમાં સભાસદોએ પ્રજાના પ્રતિનિધિઓના મૌન સામે સવાલો ઉઠાવ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે એવી તો કેવી સ્થિતિ સર્જાઇ કે રાતોરાત કરોડોના મૂલ્યની સંપત્તિ સસ્તા ભાવે વેચી મારવી પડી.
ખેડૂતોએ સવાલ ઉઠાવ્યો છે કે સભાસદોના બાકી નીકળા રૂપિયા કોણ ચૂકવશે ? જે સભાસદોએ અત્યાર સુધી સુગરનું વેચાણ કર્યું, સુગરમાં જે નફો કર્યો તેમાં સભાસદોનું હિત કેમ જોવામાં ન આવ્યું?
આ તરફ કોંગ્રેસે પણ આ મામલે હવે ઝંપલાવ્યું છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર સામે પ્રહાર કર્યો છે અને કરોડોના કૌભાંડની આશંકા સેવીને CBI તપાસની માગ કરી છે. સાથે જ જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી નિર્ણય પર રોક લગાવવાની માગ કરી છે.
દાવો છે કે હજુ ખેડૂતોના 27 કરોડ, સરકારના શેર ફાળાના 20 કરોડ રૂપિયા બાકી છે. હરાજી પહેલા મંડળીને વિશ્વાસમાં ન લેવામાં આવી હોવાનો પણ આરોપ લાગ્યો છે. ત્યારે જોવાનું એ રહે છે કે હવે સભાસદોનું આંદોલન ઉગ્ર બને છે કે પછી વિવાદ વકરે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો