આણંદ (Anand) જિલ્લાના પેટલાદ તાલુકાનું સમગ્ર સુંદરા ગામ આજે હિબકે ચઢ્યું છે. જેનું કારણ છે ગામના બે મિત્રો યુસુફ અને ગોવિંદની અંતિમ યાત્રા (Funeral). ગામમાં કોમી એકતાનું (communal unity) પ્રતીક ગણાતા બન્ને મિત્રોનું ગઈકાલે માર્ગ અકસ્માતમાં મોત થયું હતુ. યુસુફ અલી સૈયદ અને ગોવિંદભાઈ ઠાકોર ખાસ મિત્રો હતા, જીવ્યા ત્યાં સુધી બંને સાથે રહ્યા, પણ મોત બાદ પણ બંનેની અંતિમયાત્રા સાથે નીકળી. ત્યારે અંતિમ યાત્રામાં બંને ધર્મના લોકો જોડાયા.
પેટલાદ તાલુકાના સુંદરા ગામના બે મિત્રો ગઇકાલે બોરસદ-ધર્મજ રોડ પર અંજલિ હોસ્પિટલ નજીક વહેલી પરોઢિયે શાકભાજી લેવા જઇ રહ્યા હતાં. ત્યારે ટ્રકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા રોડની સાઇડમાં ફંગોળાઈ ગઈ હતી. જેમાં યુસુફ અને ગોવિંદ બંને મિત્રોને ગંભીર ઇજાઓ થતા બંનેના મોત થયા હતા. ગઇકાલે સાંજે જ બંનેના મૃતદેહને તેમના ગામ સુંદરા ખાતે લાવવામાં આવ્યા હતા. જીવતા જીવત તો આ બંને મિત્રો સાથે રહ્યા, પણ મોતને પણ જાણે બંને મિત્રોએ સાથે વ્હાલુ કર્યુ.
ગમખ્વાર અકસ્માતમાં બંને મિત્રોના મોતની ઘટનાએ સમગ્ર ગામમાં શોકમય માહોલ બનાવી દીધો છે. રામ ધૂન અને દુઆ સાથે બન્ને મિત્રોની અંતિમયાત્રા પણ સાથે નીકળતા ગામ હિબકે ચઢ્યું હતુ. બંને ધર્મના લોકો અંતિમ યાત્રામાં જોડાતા ફરી કોમી એકતાના દ્રશ્યો સર્જાયા હતા. યુસુફ અને ગોવિંદ જીવ્યા ત્યાં સુધી તો સાથે રહ્યા પણ મોત પછી પણ બંનેની અંતિમયાત્રા સાથે નીકળી.. યુસુફ અને ગોવિંદના ધર્મ ભલે અલગ હતા પણ મન મળેલા હતા.. પેટલાદના આ બંને જીગરી દોસ્ત મિત્રતાને જીવી ગયા અને અમર કરી ગયા.
આ પણ વાંચો-Kheda: ઠાસરાના જોરાબંધ ગામ મહિલાની હત્યા કરનારને નડિયાદ કોર્ટે આજીવન કેસની સજા ફટકારી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો