ગુજરાતની 20 નદીઓ ખૂબ જ પ્રદૂષિત, જળ સંશાધન મંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો
કેન્દ્રના જળ સંશાધન મંત્રાલયે (Union Ministry of Water Resources) નદીઓમાં પ્રદૂષણને લગતો રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ પ્રમાણે, સાબરમતી નદીમાં ખિરોજથી વૌઠા, અમલખાડી નદીમાં પુંગમથી ભરૂચ સુધીનો પટ્ટો પ્રદૂષિત દર્શાવાયો છે.
એકતરફ નદીઓના (rivers) શુદ્ધિકરણ માટે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. તો બીજીતરફ રાજ્યમાં સાબરમતી (Sabarmati), નર્મદા (Narmada) , વિશ્વામિત્રી સહિત 20 નદીઓ ખૂબ જ પ્રદૂષિત હોવાનો ખુલાસો થયો છે. નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં પ્રદૂષણની (Pollution) આ હકીકત કેન્દ્રના જળ સંશાધન મંત્રાલયના રિપોર્ટમાં સામે આવી છે. દેશભરમાં કુલ 351 નદીઓ પ્રદૂષિત છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વરા આ સંદર્ભે ડેટા એકત્ર કરવામાં આવ્યો છે. પાણીની ગુણવત્તાના પરિણામના આધારે સમયાંતરે નદીઓના પ્રદૂષણ અંગે મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે.
જળ સંશાધન મંત્રાલયના રિપોર્ટમાં મોટો ખુલાસો
કેન્દ્રના જળ સંશાધન મંત્રાલયે નદીઓમાં પ્રદૂષણને લગતો રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ પ્રમાણે, સાબરમતી નદીમાં ખિરોજથી વૌઠા, અમલખાડી નદીમાં પુંગમથી ભરૂચ સુધીનો પટ્ટો પ્રદૂષિત દર્શાવાયો છે. તેજ રીતે ભાદર નદીનો જેતપુર ગામથી સારણ ગામ સુધીનો પટ્ટો, ભોગાવો નદીમાં સુરેન્દ્રનગરથી નાના કેરલ સુધીનો પટ્ટો, ખારી નદીમાં લાલી ગામથી કાશીપુરાનો પટ્ટો વધારે પ્રદૂષિત હોવાનું સામે આવ્યું છે. વિશ્વામિત્રી નદીમાં વડોદરાથી અસોદ, ભાદર નદીમાં ખોતડાથી ચાંદપુરા, ત્રિવેણી નદીમાં ત્રિવેણી સંગમથી બાદલપારાનો પટ્ટો વધુ પ્રમાણમાં પ્રદૂષિત છે. મણ ગંગામાં કાચીગામથી વાપી, કોલાકમાં કિકરલાથી સાલ્વાવ, માહી નદીમાં સેવાલિયાથી બહાદૂરપુર, તાપી નદીમાં ખડોદ-બારડોલીથી સુરત, અનાસ નદીમાં દાહોદથી ફતેહપુરા, કિમ નદીમાં સાહોલ બ્રિજ હાંસોલ, મિંઢોળા નદીમાં સચિનનો પટ્ટો અને નર્મદા નદીમાં ગરુડેશ્વરથી ભરૂચ સુધીનો પટ્ટો વધુ પ્રમાણમાં પ્રદૂષિત હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.