સિંહે શરુ કર્યા માનવ શિકાર ! હઠીલાની સીમમાંથી સાવજે બચકા ભરેલો મૃતદેહ મળ્યો, વન વિભાગ આવ્યુ હરકતમાં
અમરેલીમાં સાવજે ફાડી ખાધેલો વધુ એક માનવ મૃતદેહ મળી આવ્યો છે. અમરેલીના સાવરકુંડલાના ખાલપર - હઠીલાના સીમ વિસ્તારમાંથી નદીમ નજીર કુરેશીનો મૃતદેહ મળી આવ્યો છે. નદીમ નજીર કુરેશીના મૃતદેહ પર સાવજે બચકા ભરેલાના ચિન્હો મળી આવતા, વન વિભાગની સાથેસાથે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલીમાં છેલ્લા બે દિવસમાં માનવી પર સિંહે હુમલા કરીને મોતને ઘાટ ઉતાર્યા હોવાના બનાવ સામે આવ્યા છે. આ બનાવને પગલે, વન વિભાગની સાથોસાથ વન્ય પ્રાણીના તજજ્ઞો અને જાણકારોમાં પણ કૌતુક ફેલાયું છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખાલપર – હઠીલાના સીમ વિસ્તારમાંથી એક માનવ મૃતદેહ મળી આવ્યો છે. જેની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ મૃતદેહ નદીમભાઇ નજીરભાઈ કુરેશીનો હોવાનું સામે આવ્યું છે. નદીમભાઈના મૃતદેહનું અવલોકન કરતા, તેના પર સાવજે બચકા ભર્યાના નિશાન મળી આવ્યા છે.
ખાલપર – હઠીલાના સીમ વિસ્તારમાંથી નદીમ કુરેશીનું બાઈક અને ચપ્પલ પણ તેના મૃતદેહથી થોડે દૂર મળી આવ્યા હતા. બાઈક પાસે સિંહના પગલાના સગડ મળી આવ્યા હતા. જેના પગલે, વનવિભાગ અને પોલીસ ઘટના સ્થળે પોહ્ચ્યું હતું. સિંહએ હુમલો કર્યા બાદ મોત પહેલા આ વ્યક્તિ ખેતરમાંથી સીમ વિસ્તારમાં કેવી રીતે પહોચ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. સિંહોના હુમલાથી વધત જતા માનવ મૃત્યુથી વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે.
આદમખોર સિહને પાંજરે પુરવા માટે વન વિભાગે જહેમત આદરી છે. તો બીજી બાજુ વન્ય જીવ અંગેના તજજ્ઞો અને જાણકારોમાં પણ આ ઘટનાએ આશ્ચર્ય ફેલાવ્યું છે. સામાન્ય રીતે સિંહ માનવી ઉપર હુમલો કરતો નથી, સિવાય કે માનવીથી સિંહને કોઈ ખતરો લાગે તો જ તે માનવી પર હુમલો કરે છે. સિંહ હુમલો કરતા પૂર્વે માનવીને ચેતવણી પણ આપતો હોય છે જેને અવગણવામા આવે તો ચોક્કસ તે હુમલો કરે છે. પરંતુ વન વિસ્તારમાં રહેતા ખેડૂતો સિહના આ લક્ષણથી સુપેરે પરિચિત હોય છે.