અમદાવાદના ઘુમા બાદ ઝુંડાલમાં પણ દીપડો દેખાયો હોવાનો દાવો, એક જ દીપડો છે કે બીજો… વન વિભાગ પણ અવઢવમાં!

| Edited By: | Updated on: Jul 21, 2026 | 5:48 PM

અમદાવાદમાં ઘુમા વિસ્તારમાં દેખાયેલો દીપડો હજુ પકડાયો નથી ત્યાં વધુ એક વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. અમદાવાદના ઝુંડાલ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનો પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો છે.

અમદાવાદના બોપલ, ઘુમા અને શેલા બાદ હવે અમદાવાદના ઝુંડાલ અને ચાંદખેડામાં દીપડો દેખાતા અમદાવાદીઓમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગની ટીમ જ્યારે શેલા વિસ્તારમાં દીપડાને શોધી રહી હતી ત્યાં જ આ જંગલી પ્રાણી ત્યાંથી 25 કિલોમીટર દૂર ઝુંડાલ ચાંદખેડા વિસ્તારમાં આંટા મારતો કેમેરામાં કેદ થયો છે. જે જગ્યાએ દીપડો દેખાયો તેની આસપાસ બે થી ત્રણ ઈન્ટરનેશન સ્કૂલ પણ આવેલી છે. જેને લઈને સ્કૂલે જતા બાળકો, વાલીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ એ જ દીપડો છે જે ઘુમા વિસ્તારમાં દેખાયો હતો. શું અમદાવાદમાં બીજો દીપડો ઘુસી આવ્યો છે? આવો સવાલ પણ હવે શહેરીજનો કરી રહ્યા છે કારણ કે 20-22 કિલોમીટરનું અંતર એક રાતમાં કાપીને દીપડો ઝુંડાલ સુધી કેવી રીતે પહોંચ્યો તેને લઈને વન વિભાગ પણ વિચારમાં પડી ગયુ છે. વન વિભાગ અને રેસ્ક્યુ ટીમ દ્વારા હવે ઝુંડાલ વિસ્તારની આસપાસ ડ્રોન કેમેરા અને પાંજરા ગોઠવીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. શહેરના એક બાદ એક વિસ્તારમાં દીપડો દેખાતા અમદવાદીઓમાં ડરનું મોજુ ફેલાઈ ગયુ છે. ખાસ કરીને જે ઘરોમાં નાના બાળકો છે, તેમના માતાપિતાની ચિંતા વધુ ઘેરી બની છે.

ઝુંડાલમાં દીપડો દેખાયો હોવાનો એક કેફે સંચાલકે દાવો કર્યો છે અને પોતાની કારમાંથી આ દીપડાનો ફોટો કેપ્ચર કર્યો હતો. કેફે સંચાલકે ફોરેસ્ટ વિભાગને પણ જાણ કર્યાનો દાવો કર્યો છે. જો કે ફોરેસ્ટ વિભાગે દીપડો દેખાવા અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ કરી નથી. ઘુમામાં દેખાયેલો દીપડો આ જ છે કે બીજો છે તેને લઈને પણ અટકળો છે.

હાલ તો લોકોની એક જ માગ છે કે વન વિભાગ ઝડપથી કાર્યવાહી કરી દીપડાને પાંજરે પૂરે. જો કે બીજી તરફ વન વિભાગનું કહેવું છે કે જો ખરેખર ઝુંડાલ-ચાંદખેડાં વિસ્તારમાં દીપડો દેખાયો હોય તો તે ઘુમાવાળો જ છે કે કેમ તે હાલના તબક્કે કહેવું મુશ્કેલ છે.

Input Credit- Narendra Rathod- Ahmedabad

ભારતનું એક એવુ અમીર મંદિર જેની સંપત્તિ દુનિયાના 100 દેશોની GDP થી પણ વધુ છે? વાંચો ક્યુ છે આ મંદિર?

Published on: Jul 21, 2026 05:48 PM
Follow Us