Breaking News: વિદ્યાર્થીઓની 27 કિલોમીટરની પદયાત્રા સફળ, ST તંત્રએ બસ સેવા નિયમિત કરવાની ખાતરી આપી – જુઓ Video
કચ્છમાં અનિયમિત બસ સેવા સામે વિદ્યાર્થીઓએ નેત્રાથી નખત્રાણા સુધી 27 કિલોમીટરની પદયાત્રા યોજી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. શિક્ષણ માટે ભુજ-નારાયણ સરોવર બસ સેવા નિયમિત કરવાની તેમની માંગ હતી. વાલીઓ અને ગ્રામજનો પણ જોડાયા હતા. આંદોલન બાદ ST તંત્રએ બસ સેવા નિયમિત કરવાની ખાતરી આપી છે.
કચ્છ જિલ્લામાં લાંબા સમયથી અનિયમિત બસ સેવાથી પરેશાન વિદ્યાર્થીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ભુજ અને નારાયણ સરોવર વચ્ચેની બસ સેવા નિયમિત કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ નેત્રાથી નખત્રાણા સુધી 27 કિલોમીટરની પદયાત્રા યોજી હતી. આ પદયાત્રામાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ અને ગ્રામજનો પણ જોડાયા હતા.
શિક્ષણ માટે આવશ્યક એવી આ બસ સેવા નિયમિત કરવા વિદ્યાર્થીઓની લાંબા સમયથી માંગ હતી. વિદ્યાર્થીઓના આ આંદોલન બાદ ST તંત્ર હરકતમાં આવ્યું હતું. ST વિભાગના અધિકારીઓએ વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. કોડીયા ફાટક ખાતે ડેપો મેનેજર અને કચ્છ બોર્ડના નિયામક ખુદ ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે વિદ્યાર્થીઓને લેખિત આશ્વાસન આપ્યું હતું કે, તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને હવેથી બસ સેવા નિયમિત રીતે ચાલુ રહેશે. ભુજ ડેપોથી સંચાલિત બસને નખત્રાણા ડેપોમાં ટ્રાન્સફર કરી, નખત્રાણાથી ભુજ-નારાયણ સરોવર વાયા નેત્રા રૂટ પર બસ નિયમિત રીતે ચાલશે તેવી ખાતરી આપવામાં આવી હતી. સરળ રીતે સમજીએ તો, આ વિદ્યાર્થી આંદોલનની જીત થઈ છે. હવે વિદ્યાર્થીઓની મુશ્કેલીનો અંત આવશે તેવી આશા છે.
