ચૂંટણી ટાણે નરેશ પટેલે PM મોદી સાથે કરેલી મુલાકાત અંગે ખોડલધામ ટ્રસ્ટે કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું

|

Oct 23, 2022 | 1:09 PM

હવે આ મુલાકાતને લઇને ખોડલધામ ટ્રસ્ટ (Khodaldham Trust) દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. દિલ્હી ખાતે પીએમ મોદીના (PM Modi) નિવાસસ્થાને નરેશ પટેલની પીએમ મોદી સાથે મુલાકાત થઇ હતી. આ મુલાકાતમાં ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટિલાળા, અને દિનેશ કુંભાણી પણ સામેલ હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સાથે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલની (President Naresh Patel) મુલાકાતથી રાજકીય માહોલ ગરમાયો હતો. જો કે હવે આ મુલાકાતને લઇને ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. દિલ્હી ખાતે પીએમ મોદીના નિવાસસ્થાને નરેશ પટેલની પીએમ મોદી સાથે મુલાકાત થઇ હતી. આ મુલાકાતમાં ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટિલાળા, અને દિનેશ કુંભાણી પણ સામેલ હતા. જોકે રમેશ ટિલાળાએ દાવા સાથે સ્પષ્ટતા કરી છે કે પીએમ મોદી સાથે માત્ર શુભેચ્છા મુલાકાત હતી.

રાજકોટના ખોડલધામના ટ્રસ્ટના સભ્ય રમેશ ટીલાળાએ PM મોદી સાથેની મુલાકાત મુદ્દે સ્પષ્ટતા કરી છે. ખોડલધામ ટ્રસ્ટના અગ્રણી રમેશ ટીલાળાએ કહ્યુ કે, PM મોદી સાથે કોઈ રાજકીય ચર્ચા થઈ નથી, માત્ર ખોડલધામમાં ધ્વજા ચઢાવવા માટે PMને આમંત્રણ પાઠવવામા આવ્યું છે. ટિકિટની કોઈ માંગણી કરવામાં આવી નથી. PM ક્યારે આવશે તેની માહિતી PMO જાણકારી આપશે અને તે બાદ કાર્યક્રમની રૂપરેખા નક્કી કરાશે. ” રમેશ ટીલાળાએ જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખોડલધામ સાથે નાતો ખૂબ જૂનો છે. અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે પણ ખોડલધામ ખાતે આવ્યા હતા. તે વખતે કૃષિ મેળો યોજવામાં આવ્યો હતો અને તે સમયે પણ લાખોની જનમેદની એકઠી થઈ હતી.

ખોડલધામના ટ્રસ્ટના સભ્ય રમેશ ટીલાળાએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત 45 મિનિટ સુધી ચાલી હતી. જેમાં વડાપ્રધાન દ્વારા પાટીદારોના પ્રશ્ન અંગે પૂછવામાં આવ્યું હતુ. તો સૌરાષ્ટ્રના ઉદ્યોગ ધંધાને લગતા પ્રશ્ન અંગે પણ ચર્ચા થઈ હતી. રમેશ ટીલાળાએ જણાવ્યુ હતુ કે આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખોડલધામ આવી શકે છે. પીએમઓ દ્વારા હવે જાણકારી આપવામાં આવશે. જે પછી કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવશે.

Published On - 1:08 pm, Sun, 23 October 22

Next Video