ખેડા આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારનો વિસ્ફોટ: બદલી રોકવા રૂ. 30 થી 50 હજારનો ‘વહીવટ’
ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની બદલી રોકવા માટે ચાલી રહેલા વ્યાપક ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. પાલ્લા આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર અને એક મહિલા નર્સના વાયરલ વીડિયોમાં બદલી અટકાવવા માટે હજારો રૂપિયાની લેતી-દેતીના ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને પગલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
CDHO ના નામે સેટલમેન્ટની ધમકી આપી લાખો ઉઘરાવ્યાનો આક્ષેપ; નશાની હાલતમાં નિવેદન આપનાર ડૉક્ટર સામે પણ તપાસના આદેશ, ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ અત્યારે ભ્રષ્ટાચારના ગંભીર આરોપોને કારણે વિવાદોના વંટોળમાં ફસાયું છે. એક પછી એક વાયરલ થઈ રહેલા વીડિયોએ સરકારી તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોગ્ય કેન્દ્રોમાં કામ કરતા કર્મચારીઓની બદલી રોકવા માટે રૂ. 30,000 થી લઈને 50,000 સુધીનો ગેરકાયદેસર વહીવટ કરવામાં આવે છે.
નર્સ અને ડૉક્ટરના વીડિયોમાં ચોંકાવનારા ખુલાસા
પાલ્લા આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર તેજસ પટેલનો વીડિયો વાયરલ થયા બાદ હવે મહિલા નર્સ ફરહીનબેન મનસુરીનો વીડિયો પણ સામે આવ્યો છે. ફરહીનબેને આક્ષેપ કર્યો છે કે, “મેં મારી બદલી રોકવા માટે હિતેષભાઈ નામના વ્યક્તિને 30 હજાર રૂપિયા આપ્યા હતા. મને એવી ધમકી આપવામાં આવી હતી કે જો હું સીધી CDHO (મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી) પાસે જઈશ તો 50 હજાર આપવા પડશે, પણ અત્યારે સેટલમેન્ટ કરશો તો 30 હજારમાં કામ પતી જશે.”
તંત્રની કામગીરી અને CDHOનું નિવેદન
આ સમગ્ર મામલે ખેડાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ મૌન તોડ્યું છે. તેમણે જણાવ્યું છે કે વાયરલ થયેલા બંને વીડિયોની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. વીડિયોમાં જે પણ વ્યક્તિઓના નામ લેવામાં આવ્યા છે તેમના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
વધુમાં, ડૉક્ટર તેજસ પટેલ જે હાલતમાં વીડિયોમાં દેખાઈ રહ્યા છે તે અંગે પણ તપાસ થશે. જો તેઓ નશાની હાલતમાં હશે અથવા કોઈ ગેરરીતિમાં સામેલ જણાશે તો તેમની સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. હાલ તો આ વાયરલ વીડિયોને કારણે સમગ્ર ખેડા જિલ્લાના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
(ઇનપુટ ક્રેડિટ: ધર્મેન્દ્ર કપાસી)