Breaking News: કલોલની આનંદ પાર્ક સોસાયટીમાં ગંદા પાણીનો ત્રાસ, તંત્ર ઘોર નિદ્રામાં ને રહીશો રોગચાળાના ભય હેઠળ – જુઓ Video
ગાંધીનગરના કલોલ સ્થિત આનંદ પાર્ક સોસાયટી ગંદા અને દુર્ગંધયુક્ત પાણીની ગંભીર સમસ્યાથી ઝઝૂમી રહી છે. સ્થાનિકો રોગચાળાના ભય હેઠળ જીવી રહ્યા છે અને દૈનિક અવરજવરમાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. નગરપાલિકા અને GEB એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે, જ્યારે વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.
ગાંધીનગરના કલોલમાં આવેલી આનંદ પાર્ક સોસાયટીના રહીશો છેલ્લા કેટલાક સમયથી ગંદા અને દુર્ગંધયુક્ત પાણીના ભરાવા જેવી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સોસાયટીના રસ્તાઓ પર સતત ગંદુ પાણી ભરાઈ રહેવાથી સ્થાનિકોનું જીવન દુષ્કર બની ગયું છે. આ ગંદકી અને દુર્ગંધને કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવવાનો ભય પણ સતાવી રહ્યો છે, જે સ્વાસ્થ્ય માટે ખતરો ઊભો કરે છે.
ફરિયાદ નોંધાવી પણ પરિણામ શૂન્ય
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ સમસ્યા અંગે નગરપાલિકા અને અન્ય સંબંધિત સરકારી વિભાગોને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. કેટલાક રહીશોએ તો ગવર્મેન્ટના કમ્પ્લેઇન્ટ હેન્ડલિંગ IT પોર્ટલ પર ફોટા સાથે ફરિયાદ પણ નોંધાવી છે, તેમ છતાંય પરિણામ શૂન્ય આવ્યું છે. આ વારંવારની રજૂઆતો નિરર્થક સાબિત થઈ રહી છે.
રહીશોનો આરોપ છે કે, આ સમસ્યાના નિરાકરણની જવાબદારી અંગે નગરપાલિકા અને GEB એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે.
તંત્ર તાત્કાલિક પગલાં ક્યારે ભરશે?
સ્થાનિકના કહેવા મુજબ, એક ખાડો પૂરવામાં આવે છે તો ત્યાં બીજો ખાડો થઈ જાય છે અને તંત્ર દ્વારા GEBના અંડરગ્રાઉન્ડ ગટરમાંથી વાયર કાઢવાના કારણો આપવામાં આવે છે.
જો કે, સામાન્ય નાગરિકોને આંતરિક વિવાદોમાં રસ નથી. તેમની એકમાત્ર માંગ છે કે, તેમને સ્વચ્છ પાણી મળે અને ગંદા પાણીના ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. આ કટોકટીપૂર્ણ પરિસ્થિતિમાં તંત્ર તાત્કાલિક પગલાં ભરે તે અત્યંત આવશ્યક છે.
