Junagadh : રાજ્યમાં ફરી એક વાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ધોધમાર (Rain) વરસાદ પડતા બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઇ છે. રૂદલપુર ગામમાં તો વરસાદ બાદ લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. માંગરોળમાં વહેલી સવારથી જ 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદ બાદ ચારેય તરફ રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. આ ગામ નહીં કોઇ વહેતી નદી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઘૂંટણ સમા વરસાદના પાણી ભરાઇ જતા રસ્તા બંધ થઇ ગયા છે.
માંગરોળથી કેશોદ તરફ જવાનો રસ્તો અને સોમનાથ તરફ જવાનો રસ્તો બંધ થઇ ગયો છે. રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે. જો વધુ વરસાદ પડશે તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી જશે. જેથી જનજીવન વધુ મુશ્કેલ બનશે. માંગરોળમાં ભારે વરસાદ બાદ કેટલાંક વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા છે.
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો